વેચાણ કરારમાં મનઘડંત શરતોનો આવશે અંત
કેન્દ્ર સરકારને મોડલ હાઉસિંગ એગ્રીમેન્ટ તૈયાર કરવા સુપ્રીમની ટકોર
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ ડેવલપર્સ પાસે ઘર ખરીદનારાઓને તેમના કરારમાં મનસ્વી શરતોના ભરોષે છોડી શકાય નહીં માટે દેશમાં નેશનલ મોડલ બિલ્ડર-બાયર્સ એગ્રીમેન્ટ હોવો જોઈએ.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોડલ હાઉસિંગ એગ્રીમેન્ટ તૈયાર કરવા માટે વિચારણા કરવા જણાવ્યું છે.
જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની ખંડપીઠે લોકોને ખાસ કરીને મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને કેન્દ્રને કહ્યું કે, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (રેરા) એક્ટની સંબંધિત જોગવાઈઓની તપાસ કરે જેથી કરીને એક મોડેલ તૈયાર થઈ શકે અને સમજૂતી થઈ શકે છે. બેન્ચે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમે ઈચ્છીએ છીએ કે, કેન્દ્ર સરકાર નેશનલ મોડલ બિલ્ડર-બાયર્સ એગ્રીમેન્ટ તૈયાર કરે. હાલમાં બિલ્ડરો કોઈપણ શરતો મૂકી શકે છે જેના કારણે અજાણ્યા ખરીદદારોનું શોષણ થઈ શકે છે. અમે ઈચ્છીએ છીએ કે રાજ્યોના પોતાના નિયમોને બદલે કેન્દ્ર હસ્તક્ષેપ કરે જેથી સમાન મોડેલ લાગુ કરી શકાય.
બેન્ચે કહ્યું કે, નેશનલ મોડલ એગ્રીમેન્ટમાં તમામ બિલ્ડરો માટે બંધનકર્તા અમુક પ્રમાણભૂત શરતો હોવી જોઈએ. ખંડપીઠે કહ્યું, કેટલીક આવશ્યક શરતો હોવી જોઈએ જેમાંથી વિચલિત ન થઈ શકે. શરતો ખરીદદારોના હિતમાં હોવી જોઈએ.
ખંડપીઠે કહ્યું કે, રેરાએ કેન્દ્રીય કાયદો છે અને તેથી રેરા હેઠળ નિયુક્ત કેન્દ્રીય સલાહકાર સમિતિએ મોડલ કરાર ઘડવા પર વિચાર કરવો જોઈએ. ખંડપીઠે સુનાવણી બે સપ્તાહ માટે મુલતવી રાખી અને સોલિસિટર જનરલને આ અંગે નિર્દેશો લાવવા કહ્યું.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં કહ્યું છે કે, મોડલ બિલ્ડર-બાયર કરારથી રિયલ એસ્ટેટમાં પારદર્શિતા આવશે અને ફ્લેટ ખરીદનારાઓને છેતરપિંડીનો સામનો કરવો નહીં પડે. અરજીમાં કહેવાયું છે કે, હાલ રિયલ એસ્ટેટના તમામ કરારો એકતરફી અને મનસ્વી છે. આ કિસ્સામાં કેન્દ્ર સરકારે ગયા નવેમ્બરમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ઘર ખરીદનારાઓ અને પ્રમોટરોના અધિકારો અને હિતોને સંતુલિત કરવા માટે રેરા કાયદાની જોગવાઈઓ હેઠળ વેચાણ માટે એક મજબૂત નિયમનકારી પદ્ધતિ અને ડ્રાફ્ટ કરાર પહેલેથી જ છે.
કેન્દ્રએ રેરાની કલમ ૧૩ ટાંકીને કહ્યું હતું કે, તે ખાસ કરીને વેચાણ માટેના કરાર સાથે વ્યવહાર કરે છે અને પ્રમોટરોને વેચાણ માટેના કરાર વિના ખરીદદારો પાસેથી કોઈપણ થાપણો અથવા એડવાન્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો.