ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો પર પ્રતિબંધ મુકવા મામલે હવે એપ્રિલ માસમાં થશે સુનવણી
ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજકારણીઓને ચૂંટણી લડવામાંથી પ્રતિબંધિત કરવા જોઈએ કે કેમ? આ પ્રશ્નના જવાબ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. આ મુદ્દો અતિ જટિલ અને અતિ ચર્ચા તો મુદ્દો છે અને છેલ્લા લાંબા સમયથી આ મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ બંનેને સણસણતો સવાલ કર્યો છે કે, શા માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજકારણીઓને છાવરવામાં આવે છે?
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા જાહેર હિતની અરજી કરીને આ મુદ્દે સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, અશ્વિની ઉપાધ્યાય દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજકારણીઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. જે અનુસંધાને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
જો આપણે એક રાષ્ટ્ર તરીકે ટકી રહેવું હોય તો આપણામાંના દરેકમાં ચારિત્ર્ય અને મૂલ્યો હોવા જોઈએ. પશ્ચિમી દેશોમાં સામાન્ય માણસ ક્યારેય ભ્રષ્ટાચાર અને ભયમાં ફસાઈ જતો નથી. અહીં પાયાના સ્તરે પણ ભ્રષ્ટાચાર છે. તે વાસ્તવિક સમસ્યા છે, જસ્ટિસ કે એમ જોસેફ અને બી વી નાગરથનાની બેન્ચે સુનાવણી કરતા કહ્યું હતું.
પીઆઈએલ પિટિશનર-એડવોકેટ અશ્વિની ઉપાધ્યાએ જણાવ્યું હતું કે, જો કોઈ કોર્ટ સરકારી કર્મચારી સામે જઘન્ય ગુનામાં આરોપો ઘડે છે, તો તેને કાં તો સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા સેવામાંથી બરતરફ કરવામાં આવે છે પરંતુ ઉમેદવાર, જ્યાં સુધી ફોજદારી કેસમાં દોષિત ઠરે અને બે કે તેથી વધુ વર્ષની કેદની સજા ન થાય ત્યાં સુધી તે મંત્રી, સંસદસભ્ય અથવા ધારાસભ્ય તરીકે ચાલુ રહે છે.
ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જેના પર જઘન્ય ગુનામાં આરોપ મૂકવામાં આવ્યો છે, તે પટાવાળો પણ બની શકતો નથી પરંતુ તે ધારાસભ્ય અને કાયદા મંત્રી પણ બની શકે છે.
સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર અને ચૂંટણી પંચને ત્રણ અઠવાડિયામાં તેમના જવાબો દાખલ કરવા કહ્યું અને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વધુ સુનાવણી માટે કેસ પોસ્ટ કર્યો છે.