દેશમાં ૨૦ લાખ મોટા મંદિરો, ૩ લાખ કાર્યરત મસ્જિદો અને હજારો ચર્ચ
જિલ્લા કલેકટરોને ધાર્મિક સ્થળો અને ચેરિટેબલ ટ્રસ્ટોના વ્યવહારોનું જયુડીશ્યલ ઓડિટ કરવા વડી અદાલતનો હુકમ
દેશની વડી અદાલતે સખાવતી સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળોને તમામ પ્રકારે ચોખ્ખાચટ્ટ કરવાના હેતુથી જિલ્લા કલેકટરોને સ્ક્રુટીની કરવાનો આદેશ આપ્યો છે. સખાવતી સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળોની સંપતિ, સંચાલન, આર્થિક વ્યવહારો અને મેનેજમેન્ટનું જયુડીશ્યલ ઓડિટ કરવામાં આવશે.
વડી અદાલતના આદેશનો અમલ મંદિરો, મસ્જિદો, ચર્ચ સહિતના અન્ય ધાર્મિક સ્થળો તેમજ ચેરીટેબલ સંસ્થાઓમાં થશે. સખાવતી સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો અંગેનો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી જિલ્લા કલેકટરોની રહેશે. આ રિપોર્ટ હાઈકોર્ટને મોકલાશે. જેને પીઆઈએલની જેમ જોવામાં આવશે.
ન્યાયાધીશ આદર્શ ગોઠવાયેલ અને એસ.અબ્દુલ નઝીરની ખંડપીઠે ગયા મહિને કહ્યું હતું કે, ધાર્મિક સ્થાનોમાં શ્રધ્ધાળુઓને થતી મુશ્કેલીઓ, મેનેજમેન્ટમાં ખામી, સ્વચ્છતા જાળવવામાં ઉણપ સહિતનું જોવાની જવાબદારી માત્ર રાજય કે કેન્દ્ર સરકારોની નથી પરંતુ અદાલતોની પણ છે. તાજેતરમાં દાખલ થયેલા સુઓમોટોમાં દાવો કરાયો હતો કે, દેશમાં ૨૦ લાખ મોટા મંદિરો, ૩ લાખ કાર્યરત મસ્જિદો અને હજારો ચર્ચ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, કેટલાક ધાર્મિક સ્થાનો અને સખાવતી સંસ્થાઓના મેનેજમેન્ટ ઉપર પ્રશ્ર્ન ઉઠાવવામાં આવતા હોય છે. મિલકતો અને આર્થિક વ્યવહારોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો થાય છે. આવા આક્ષેપો કોર્ટમાં પહોંચે છે ત્યારે હાલ દેશમાં ૩.૧ કરોડ કેસ પેન્ડીંગ છે અને કોર્ટમાં ૨૩,૦૦૦ જગ્યાઓ ખાલી છે ત્યારે આવા કેસોનું ભારણ વધુ ન રહે તેથી જિલ્લા કલેકટરોને આદેશ આપવામાં આવ્યા છે.
ધાર્મિક સ્થળો અને સખાવતી સંસ્થાઓને તમામ પ્રકારે સ્વચ્છ રાખવા માટે વડી અદાલતનો આ આદેશ મહત્વનો બની રહેશે. જિલ્લા કલેકટરો હવે ધાર્મિક સ્થળો અને સખાવતી સંસ્થાઑના આર્થિક અને વ્યવહારીક પાસાઓની સ્ક્રુટીની કરશે.