ખંડણી વસુલવા અપહરણ કરી છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હિંગોળગઢનાં જંગલમાં લાશને સળગાવી નાખી‘તી: સર્પનું એન્કાઉન્ટર કર્યું‘તું
સેશન્સ કોર્ટે બેને આજીવન કેદની સજાનાં હુકમ સામે હાઈકોર્ટે આશીષની સજાનો હુકમ યથાવત રાખ્યો‘તો: મહિલા સહિત આઠ સામે ગુનો નોંધાયો’તો
રાજકોટ સહિત રાજયભરમાં ચકચાર મચાવનાર પિયુષનું ખંડણી વસુલવાનાં મામલે અપહરણ કરી છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને હિંગોળગઢનાં જંગલમાં સળગાવી નાખવામાં મહિલા સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો હતો. કેસની તપાસ દરમિયાન કુખ્યાત સર્પનું એન્કાઉન્ટર થયું હતું. જયારે અન્ય શખસો સામે કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતાં અદાલતે જામનગરનાં આશિષ નંદી અને સલીમ સલોને આજીવન કેદની સજાના હુકમ સામે હાઈકોર્ટમાં સજા માફીની માંગમાં આશિષ નંદાને સજા કાયમ રાખી હતી જેનાં હુકમથી નારાજ થઈ આશિષ નંદાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલ કાઢી નાખી હાઈકોર્ટનાં હુકમને યોગ્ય ઠેરવી સજા કાયમ રાખી હતી.
વધુ વિગત મુજબ શહેરનાં સામાકાંઠે રહેતા ઈમીટેશનનાં વેપારી જલારામભાઈ ઠકકર પુત્રનું ખંડણી વસુલવા ગત તા.૧૪/૭/૨૦૦૬નાં રોજ અપહરણ કરી હિંગોળગઢનાં જંગલમાં છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવાના ગુનામાં જામનગરનાં આશિષ કપિલ નંદા, દિપ્તીબેન હરેશ પાબારી, મકસુદ ઉર્ફે મેઘો, મોહમદ યાસીન ઉર્ફે બાબો, જીજ્ઞેશ હરી દશાડીયા, રવિ નંદા, સલીમ ઉર્ફે સલો અને મહેન્દ્રસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જામનગરનાં આશિષ નંદા રાજકોટનાં સામાકાંઠાનાં વેપારી જલારામભાઈ ઠકકરને ત્યાં ભાડે દુકાન રાખી ધંધો કરતો બાદ દુકાન બંધ કરી જામનગર પરત જતો રહ્યો અને આશિષ નંદાને પૈસાની જરૂરીયાતથી મિત્ર નરેશ ઉર્ફે સર્પ, જીજ્ઞેશ દસાડીયા અને રવિ નંદા ભેગા મળી પિયુષનું અપહરણનો પ્લાન ઘડેલો જેમાં બોગસ સીમકાર્ડનાં આધારે મહિલા મારફતે પિયુષને લીમડા ચોક ખાતે બોલાવી કારમાં પિયુષનું છરીની અણીએ અપહરણ કરી અપહત યુવકનાં પિતા જલારામભાઈને ફોન કરી ધમકી આપી ખંડણી વસુલવા પિયુષને અલગ-અલગ સ્થળે લઈ જઈ ગોંધી રાખી છરીનાં ઘા ઝીંકી લાશને હિંગોળગઢનાં જંગલમાં લઈ જઈ મૃતદેહને સળગાવી પુરાવાનો નાશ કર્યાનું ખુલ્યું હતું. જયારે નરેશ ઉર્ફે સર્પનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.
આમ કુલ ફરિયાદપક્ષ દ્વારા ૧૮૩ સાહેદોને તપાસેલ અને આ ઉપરાંત ૩૦૦થી પણ વધુ દસ્તાવેજી પુરાવાઓ ઉપર જેમાં પંચનામાઓ, મોબાઈલ કોલ ડીટેઈલ ચાર્ટો તથા એફ.એસ.એલ. રીપોર્ટ, ડી.એન.એ. રીપોર્ટ વિગેરે ઉપર આધાર રાખેલ છે. તેમજ સ્પે. પી.પી. તથા મુળ ફરિયાદી તરફે તથા તહોમતદારો તરફે ઉંડાણપૂર્વકની દલીલ થયેલ છે. જેમાં જે-તે વખતે એડી.સેશન્સ જજે પોતાનો આખરી ચુકાદામાં આશિષ કપિલભાઈ નંદા તથા સલીમ સલોને આજીવન કેદની સજા ફરમાવેલી હતી. જેમાં તહોમતદારો દ્વારા હાઈકોર્ટમાં પોતાની સજાને ચેલેન્જ કરેલ જેમાં હાઈકોર્ટ દ્વારા આશિષ કપિલભાઈ નંદાની સજાને ક્ધફર્મ રાખી હતી. જયારે સલીમને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
આરોપી આશીષ નંદાએ પોતાની સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા જે સજા કરવામાં આવેલી તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરેલી હતી જેમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ અરૂણ મિશ્રા અને નવીન સિન્હાની બેન્ચ દ્વારા આરોપીની અપીલ રદ કરવાનો હુકમ કરેલો છે. આરોપી આશિષ નંદાને થયેલી સજા સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. આ કામમાં ફરિયાદપક્ષે સ્વ. સ્પે.પી.પી.મોહનભાઈ સાયાણી તથા મુળ ફરિયાદપક્ષનાં એડવોકેટ તરીકે નીતેશ કથીરીયા રોકાયેલા હતા.