ભારતીય સંવિધાન સૌને સમાનતાનો અધિકાર આપનારો છે ત્યારે દિવ્યાંગોને પણ સમાનતાનો અધિકાર મળવો જરૂરી: જસ્ટીસ ચંદ્રચુડ
ઈન્ટરનેશનલ સમીટ ઓન લીગલ પ્રોફેશનલ ઓફ વીથ ડિશ એબીલીટીસની સમીટ દરમિયાન જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે દેશની તમામ અદાલતોને દિવ્યાંગ વકીલો માટે સુચારૂ અને વૈકલ્પીક વાતાવરણ ઉભુ કરવા સુચન કર્યું છે. તેમણે કહ્યું છે કે, દિવ્યાંગ વકીલોને કોઈપણ કાળે કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે પ્રકારનું વાતાવરણ ઉભુ કરવું અતિ આવશ્યક છે. જેના માટે તેઓ દેશની તમામ હાઈકોર્ટોને લેખીતમાં સુચન કરવાના છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે સમીટ દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે, દિવ્યાંગ વકીલોને પણ સામાન્ય વકીલો માફક કેસ લડવા સુચારૂ વાતાવરણ આપવું અતિ આવશ્યક છે. જેમાં અનેકવિધ ફેરફાર કરવાની તાતી જરૂરીયાત હાલના તબક્કે જણાય રહી છે. સૌપ્રથમ તો સબમીશન માટે ફિઝીકલી પ્રિન્ટીંગ અને સ્કેનીંગના વિકલ્પને બદલી પીડીએફ ડોક્યુમેન્ટને માન્યતા આપવી જોઈએ. સ્કેનીંગ અને પ્રિન્ટીંગની પ્રક્રિયામાં સમયનો ફકત વધુ થતો હોય છે. ઉપરાંત તેમણે ડિજીટલ સહીની ભલામણ પણ કરી છે. જેથી વ્યક્તિએ ફિઝીકલી હાજર રહેવાની જરૂર રહેતી નથી.
ચંદ્રચુડે બીજા મુદ્દા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, રિટર્ન સબમીશનને ડિજીટલી માન્યતા આપવી જોઈએ. હું ખુશીની લાગણી વ્યકત કરું છું કે, આ પ્રકારની વ્યવસ્થા અગાઉથી જ મારી કોર્ટ રૂમમાં મેં ઉભી કરેલી છે અને હું અપેક્ષા રાખુ છું કે અન્ય કોર્ટમાં પણ આ પ્રકારની વ્યવસ્થા અંધ વકીલો માટે કરવામાં આવે જેથી વકીલો વિકલાંગ હોવાનો અનુભવ કરે નહીં. ત્રીજા મુદ્દા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, જે દસ્તાવેજોને સ્કેન કરવાની ફરજ પડતી હોય તે દસ્તાવેજોનું સ્કેનીંગ ૩૦૦ ડોટસ પર ઈંચની ગુણવતામાં કરાવવું જોઈએ. તેમજ દસ્તાવેજમાં સ્ટેમ્પ અને વોટર માર્કસનો ઉમેરો કરાવવો જોઈએ જેથી વકીલો સ્મુથ એકસેસ મેળવી શકે.
ચોથા મુદ્દા પર ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે, ફાઈલીંગને વધુ એકસેસીબલ બનાવવાની જરૂરીયાત છે. અમુક વકીલો અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરી શકતા નથી જેથી આ પ્રકારની પધ્ધતિને બદલાવવાની જરૂર છે. દિવ્યાંગ વકીલો દ્વારા કેસ દાખલ કરવા માટે અલગ સીસ્ટમ વિકસાવવાની જરૂરીયાત છે જેથી તેઓ કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરે નહીં. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમે દર શુક્રવારે એક બેઠકનું આયોજન કરતા હોઈએ છીએ જેમાં આ પ્રકારની મુદ્દાની ચર્ચા કરવામાં આવતી હોય છે. તેમણે મત વ્યકત કર્યો હતો કે, દિવ્યાંગ વ્યક્તિઓને હાલાકીનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખવાની જવાબદારી આપણા સૌની છે. તેમણે અભિપ્રાયા આપતા કહ્યું હતું કે, કોર્ટની વેબસાઈટને પણ વધુ સરળ બનાવવાની જરૂરીયાત છે.
હાલના તબક્કે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સૌ કોઈ કરી રહ્યાં છે ત્યારે ડિજીટલ પ્લેટફોર્મ પર દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા ન હોવાથી અસમાનતા ઉભી થઈ રહી છે અને અસમાનતામાં વધારો ન થાય તેના માટે કોર્ટની વેબસાઈટને સરળ બનાવવાની જરૂરીયાત છે.
દિવ્યાંગો માટે કોર્ટની વેબસાઈટ વધુ સ્થિતિ સ્થાપક બનાવવાની જરૂરીયાત છે. તેમણે કહ્યું હતું કે, વેબસાઈટ પર માહિતી સબમીટ કરવા માટે ટેકસ્ટ આધારીત કેપ્ચાનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રથાને પણ નાબુદ કરવી જોઈએ. તેની જગ્યાએ વેબસાઈટમાં તારીખ પસંદ કરવા સહિતની બાબતો માટે લેબલવાળા બટનનો ઉપયોગ વધારવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, દરેક ઓર્ડરના પૃષ્ટ પર વોટર માર્કસનો ઉપયોગ કરવાની પ્રથા હાલ સુધી અમલી છે જેને પણ બદલવાની જરૂર છે અને આ તમામ જવાબદારી ડેટાબેઈઝનું નિરીક્ષણ કરતા લોકોની છે. તેમ છતાં વિકલાંગ વકીલો હાલાકીનો સામનો કરતા હોય તો અમે ન્યાય તંત્ર અને ઈ-કોર્ટ પ્રોજેકટના ભાગરૂપે આ ખામીઓ પૂરી કરવા માટે ચોકકસપણે સમર્પિત છીએ.
તેમણે કહ્યું હતું કે, કોર્ટરૂમને સ્પીકર્સથી સજ્જ કરવા પણ જરૂરી છે. ભારતીય સંવિધાન મુજબ નાગરિકના મુળભૂત અધિકાર અને હકક અધિનિયમ ૨૦૧૬ની કલમ ૨૧ મુજબ તમામ નાગરિકોને સમ્માનતાનો હક્ક આપવામાં આવ્યો છે તેનું પાલન કરવું જરૂરી છે.