દ્વારકા સમાચાર
દેવભુમી દ્વારકા જીલ્લાના કુરંગા ગામે આવેલ આરએસપીએલ (ઘડી) કંપની શરૂઆતથી જ જમીન ફાળવણીથી માંડી ખેડુતોને આપવામાં આવેલા વળતર બાબતે વીવાદમાં રહી છે . ત્યારે સ૨કા૨ દ્વારા કંપનીને ફાળવી દેવામાં આવેલ ખરાબાની આશરે ૧૦૦ વિઘા જેટલી ફળદ્રુપ જમીન બાબતે કુરંગાના ખેડુત દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવામાં આવી છે. કાયદાનો છેદ ઉડાડી ફાળવી દેવાયેલ જમીન અંગે અરજદાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલ અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા સરકારને નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે. સાથે સાથે આ જમીનના નેચર અને પઝેશન અંગે સ્ટેટસ્કોનો હુકમ કર્યો છે.
દ્વારકા નજીકના કુરંગા ગામે આવેલ ઘડી કંપની વધુ એક વખત વિવાદમાં આવી છે. તાજેતરમાં લોકસુનાવણી વખતે ખેડુતોએ કંપનીને ચારોતરફથી ઘેર્યાબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કંપની ફરતે ગાળીયો કસાયેલ છે. કુરંગા ગામના ખેડુત બાલુભા કેર દ્વારા કંપનીને ગામના જુદા જુદા સર્વે નંબરની ૧૬૧૪૭૦ ચો.મી. (આશરે ૧૦૦ વિઘા) જમીન કાયદાકીય પ્રક્રીયાને અનુસર્યા વગર ફાળવી દેવામાં આવી હોવાની હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કંપની દ્વારા ખરાબાની જમીન ફરતે અનઅધિકૃત રીતે દીવાલ ઉભી કરી, ખેડુત બાલુભાની માલિકીની જમીન૫૨ કબજો જમાવ્યો હતો. જેને લઈને ખેડુત દ્વારા જમીન ફાળવણી અંગે લેન્ડ સીલીંગ એકટની તથા અન્ય કાયદાકીય જોગવાયોનો છેદ ઉડાડી સરકાર દ્વારા કંપનીને જમીન ફાળવી હોવાની હાઈકોર્ટમાં કરેલી અરજીમાં દર્શાવ્યું હતું. જોકે આ બાબતે હાઈકોર્ટે અરજી રીઝેકટ કર્યા બાદ ખેડુત દ્વારા છેક સુપ્રીક સુધી લડત આપવામાં આવી.
અરજદારના વકીલ પ્રીતીકા દ્વીવેદી (એ.ઓ.આર.), રાજેશ કે. સવજાણી તથા ગિરીશ આર. ગોજીયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં સરકાર દ્વારા આરએસપીએલ (ઘડી) કંપનીને ફાળવી દેવાયેલ જમીન બાબતે અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તા. ૨૧-૧૧-૨૦૨૩ ના રોજ અરજી સ્વીકારી ગુજરાત સરકારને નોટીસ ઈશ્યુ કરી છે તેમજ આ જમીનના નેચર તથા પઝેશન અંગે સ્ટેટસ્કોનો હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લાની કોઈ ખાનગી કંપની સામે સ્ટેટસ્કોનો હુકમ કરતા હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.