‘મંદિર વહી બનેગા’

સકારાત્મક દિશામાં વાત ચાલી રહી છે, થોડો વધુ સમય જોઈએ તેવી મધ્યસ્થીઓની માંગ બાદ મધ્યસ્થતાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આઠ અઠવાડિયાનો સમય અપાયો

સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ માટેની ગઠીત થયેલી મધ્યસ્થતા પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો વધુ સમય આપ્યો છે. આ પહેલાં પેનલે પોતાનો રિપોર્ટ બંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. સાથે જ પેનલે મામલાના સમાધાન પર વાતચીત માટે વધુ સમયની માગ કરી હતી.

મધ્યસ્થતા પેનલની પાસે આ મામલો ગયા બાદ પહેલી વખત આ કેસની સુનાવણી થઈ હતી.આ દરમિયાન પેનલે કહ્યું હતું કે વાતચીત સકારાત્મક દિશામાં છે. તેઓને સમાધાનની આશા છે, એટલે થોડો વધુ સમય આપવામાં આવે. કેટલાંક હિંદુ પક્ષકારોએ મધ્યસ્થતાની પ્રક્રિયા પર આપત્તિ વ્યક્ત કરી. તેઓએ કહ્યું પક્ષકારો વચ્ચે કોઈ જ મનમેળ નથી. મુસ્લિમ પક્ષકારો તરફથી રાજીવ ધવને કહ્યું કે અમે મધ્યસ્થતાની પ્રક્રિયાનું પૂર્ણ રીતે સમર્થન કરીએ છીએ.

ચીફ જસ્ટિસે કહ્યું- અમને મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ મળ્યો છે અને અમે તેને વાંચ્યો છે. હાલ સમજૂતીની પ્રક્રિયા ચાલી રહી છે. અમે રિટાયર્ડ જસ્ટિસ કલીફુલ્લાના રિપોર્ટ પર વિચાર કરી રહ્યાં છીએ. રિપોર્ટમાં સકારાત્મક વિકાસની પ્રક્રિયા અંગે જણાવવામાં આવ્યું છે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઇના અધ્યક્ષતામાં પાંચ જજની બંધારણીય બેચ કરી રહી છે. જેમાં જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર સામેલ છે.

૨ મહિના પહેલાં મામલો મધ્યસ્થતા પેનલે સોંપાયો હતો: ૮ માર્ચે થયેલી સુનાવણીમાં અયોધ્યા વિવાદના વાતચીતથી સમાધાન માટે ત્રણ સભ્યની મધ્યસ્થતા પેનલની રચના થઈ હતી. જેની આગેવાની રિટાયર્ડ જસ્ટિસ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા કરી રહ્યાં હતા. બાકીના બે સભ્યમાં વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર હતા.

પેનલને આઠ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો અને ચાર સપ્તાહમાં પ્રોગ્રેસ રિપોર્ટ માગવામા આવ્યો હતો. અવધ યુનિવર્સિટીમાં મધ્યસ્થી પ્રક્રિયા થઈ હતી: થોડા દિવસો અગાઉ આ મામલામાં અરજી દાખલ કરનાર ૨૫ લોકો મધ્યસ્થી પેનલની સામે રજૂ થયા હતા. અરજી કરનારાઓની સાથે તેમના વકીલ પણ ઉપસ્થિત હતા. આ તમામ લોકોને ફૈઝાબાદ એડમિનિસ્ટ્રેશન તરફથી નોટિસ મોકલવામાં આવી હતી. મધ્યસ્થી પ્રક્રિયા અવધ યુનિવર્સિટીમાં થઈ હતી. આ દરમિયાન કોઈને પણ ત્યાં જવાની પરવાનગી ન હતી.

વિવાદિત ભૂમિ પર પૂજાની અરજી ફગાવી દેવાઈ હતી: સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં અયોધ્યાની વિવાદિત ભૂમિ પર પૂજા કરવાની અરજીનો અસ્વીકાર કર્યો હતો. કોર્ટે અરજદારોને કહ્યું હતું કે તમે આ દેશમાં શાંતિ રહેવા દેશો નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે અરજદારોને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ દંડને દૂર કરવાનો ઈન્કાર કર્યો છે.

માત્ર નિર્મોહી અખાડો જ મધ્યસ્થતાના પક્ષમાં હતો: નિર્મોહી અખાડાને છોડીને રામલલા વિરાજમાન અને અન્ય હિંદુ પક્ષકારોએ મામલાને મધ્યસ્થતા માટે મોકલવાનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ પક્ષકાર અને નિર્મોહી આખાડાએ આ મુદ્દે સહમતી વ્યક્ત કરી હતી. કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મામલો મધ્યસ્થતાને સોંપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.