જરૂર પડયે શનિવારે પણ સુનાવણી કરો અને કોર્ટની કાર્યવાહી ચાલુ રાખો: ચીફ જસ્ટીસ દીપક મિશ્રા
૫ વર્ષથી વધુ સમયથી જેલમાં સબડતા કાચા કામના કેદીઓના કેસોને અદાલત સુનાવણીમાં હવેથી પ્રાથમિકતા અપાશે. અત્યાર સુધી એવું થતું હતું કે, આરોપીના કેસનો અંતિમ ફેંસલો ન આવે ત્યાં સુધી તેને જેલ હવાલે કરવામાં આવે છે એટલે તેને કાચા કામના કેદી તરીકે વર્ષોના વર્ષો સુધી જેલમાં સબડવું પડે છે. જોકે અગર આરોપી અદાલતમાં અપરાધી ઠરે અને તેને સજા થાય તો કાચા કામના કેદી તરીકે તેણે જેટલા ગુજારેલો સમય તેને નજરે મળે એટલે કે સજામાંથી બાદ મળે છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ દિપક મિશ્રાએ આદેશ કર્યો છે કે હાઈકોર્ટો અને સુપ્રીમમાં હવેથી પાંચ વર્ષથી વધુ સમયથી જેલમાં સબડતા કાચા કામના કેદીઓના કેસને પ્રાથમિકતા આપી એટલે કે બોર્ડ પર લેવામાં પ્રાધાન્ય આપીને તેનો ફેંસલો કરવામાં આવે. સુપ્રીમના આદેશમાં વધુમાં જણાવાયું છે કે, ૫ વર્ષથી વધુ જેલમાં રહેલા લોકોના કેસોની સુનાવણી હાથ ધરવા હાઈકોર્ટો જરૂર પડયે શનિવારોએ પણ કોર્ટ કાર્યવાહી ચાલુ રાખે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે અત્યારે મહિનાના બીજા અને ચોથા શનિવારે કોર્ટની કાર્યવાહી બંધ રહે છે. પરંતુ હવેથી આ સીનારીયો બદલાઈ જશે.