જમ્મુ-કાશ્મીરની કલમ 370 પર ‘સુપ્રીમ’ કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે . ‘5 ઓગસ્ટ, 2019નો ફેંસલો યોગ્ય હતો, બીજા રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીર પણ ભારતનું અભિન્ન અંગ, જમ્મુ-કાશ્મીરમાં ભારતનું જ બંધારણ ચાલશે’, અને રાજ્યમાં ચૂંટણી યોજવા આદેશ અપાયા છે .
કોર્ટે કહ્યું કે જો જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ભંગ કરવામાં આવે તો પણ રાષ્ટ્રપતિ પાસે કલમ 370 પર નિર્ણય લેવાની સત્તા છે. આ રીતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે, જે અંતર્ગત તે 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ઉપરાંત, રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફરીથી ગોઠવવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે એકવાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તો કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિના આદેશ પર નિર્ણય લેવાનો અધિકાર છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટને પ્રક્રિયામાં કોઈ ખામી દેખાતી નથી.
ત્રણ ન્યાયાધીશોના ચુકાદા જુદા હતા, પરંતુ નિષ્કર્ષ એક જ હતો
5 જજની બેન્ચે કલમ 370 પર કુલ ત્રણ ચુકાદા લખ્યા હતા. જો કે આ ચુકાદાઓમાં અલગ-અલગ બાબતો કહેવામાં આવી છે, પરંતુ તેમના તારણો એક જ છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરે વિલીનીકરણ સાથે તેની સાર્વભૌમત્વ ભારતને સોંપી દીધી છે. આમ જમ્મુ અને કાશ્મીરના અલગ બંધારણ સિવાય કોઈ સાર્વભૌમત્વ બાકી નથી.
કલમ 370 શું છે?
કલમ 370 એ ભારતના બંધારણની એવી કલમ છે જેના દ્વારા જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો મળ્યો હતો.
તેના કારણે ભારતીય બંધારણને આ રાજ્યમાં લાગુ પાડવામાં અમુક મર્યાદાઓ હતી. ભારતીય બંધારણની કલમ 1 ( ભારત એ રાજ્યોનો એક સંઘ છે) સિવાય એકપણ કલમ જમ્મુ કશ્મીરને લાગુ પડતી ન હતી. જમ્મુ-કાશ્મીર રાજ્યનું પોતાનું એક અલગ બંધારણ અસ્તિત્ત્વમાં હતું.
ભારતના રાષ્ટ્રપતિ પાસે બંધારણના કોઈપણ ભાગને જો જરૂરી હોય તો કોઈપણ પ્રકારના ફેરફાર સાથે રાજ્યમાં લાગુ કરવાની સત્તા હતી. જોકે, તેના માટે રાજ્ય સરકારની સહમતિ ફરજિયાત હતી.
આ કાયદા પ્રમાણે ભારતીય સંસદને રાજ્યમાં માત્ર વિદેશી બાબતો, સંરક્ષણ અને સંદેશાવ્યવહારને લગતા કાયદાઓ બનાવવાની જ સત્તા હતી.
જમ્મુ અને કાશ્મીરની બંધારણસભા 1951માં રચાયેલી 75 સભ્યોની એ સંસ્થા હતી જેણે જમ્મુ અને કાશ્મીર માટે બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો. એ જ રીતે ભારતની બંધારણસભાએ ભારતીય બંધારણનો મુસદ્દો ઘડ્યો હતો. નવેમ્બર 1956માં જમ્મુ-કાશ્મીર રાજ્યનું બંધારણ અમલમાં આવ્યું ત્યારપછી બંધારણસભાનું અસ્તિત્ત્વ ખતમ થઈ ગયું.
ભાજપ લાંબા સમયથી આ કલમને કાશ્મીરને ભારત સાથે એકીકૃત કરવા માટેનો કાંટો માની રહ્યો હતો. તેના વચનપત્રમાં પણ પાર્ટીએ કહ્યું હતું કે તે ભારતીય બંધારણમાંથી કલમ 370 અને 35Aને હઠાવી દેશે.
1954માં કલમ 35-એને બંધારણમાં દાખલ કરવામાં આવી હતી. આ જોગવાઈએ જમ્મુ અને કાશ્મીરના કાયમી રહેવાસીઓને સરકારી નોકરી, રાજ્યમાં મિલકત ખરીદવા અને રાજ્યમાં રહેવા માટે વિશેષ અધિકારો આપ્યા હતા.