દેશભરમાં નોંધાતા દુષ્કર્મના કેસોના ઝડપી નિકાલ થાય તે માટે આયોજન ઘડી કાઢવા સુપ્રીમ કોર્ટે બે જજોની સમિતિની રચના કરી
હાલની ર૧મી સદીમાં વિશ્ર્વભરમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે. ત્યારે ભારતમાં મહિલાઓની સ્થિતિ વિકટ બની રહી હોય તેમ સમયાંતરે સામૂહિક દુષ્કર્મ, છેડતી, ઘરેલું હિંસા વગેરેનો ભોગ બનતી રહે છે. થોડા સમય પહેલા દિલ્હીમાં થયેલા નિર્ભયાકાંડ બાદ સરકાર સફાળી જાગી હતી અને મહિલાની સુરક્ષા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા હતા. પરંતુ આ પગલાઓ ઓછા પુરવાર થતા હોય તેમ તાજેતરમાં હૈદરાબાદમાં પણ એક મહિલા વેટરનીટી ડોકટર પર સામૂહિક દુષ્કર્મનો બનાવ બનવા પામ્યો હતો. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ સામૂહિક દુષ્કર્મના અનેક બનાવો બહાર આવવા પામ્યા હતા. દેશભરમાં નોંધાતા દુષ્કર્મના કેસોમાં કાયદાકીય આંટીઘુંટીનો લાભ લઈ આરોપીઓ લાંબા સમય સુધી સજાી બચતા રહ્યાં છે. જેથી દેશભરમાં દુષ્કર્મના કેસોના આરોપી સામે ઝડપભેર કડક સજા કરાવવા માંગ ઉઠતી રહે છે. પ્રજાના ઉગ્ર આક્રોશ બાદ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે હરકતમાં આવીને બે જજોની સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે.
દેશમાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધોમાં સમયોચિત ન્યાયની માગણી પ્રચંડ બનેલી છે ત્યારે વહીવટી સ્તરે નિર્ણય લેતા ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ દેશનાં બળાત્કારનાં તમામ કેસો ઉપર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટનાં બે જજોની એક સમિતિ બનાવી છે. આવા કેસનો વહેલામાં વહેલી તકે નિકાલ થાય તે માટે બનેલી આ સમિતિમાં જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહ રહેશે. આ સમિતિ દેશની તમામ નાની-મોટી ખટલા અદાલતો અને હાઈકોર્ટમાં બળાત્કાર સંબંધિત કેસ નીપટાવવામાં ઝડપ આવે તે માટે પગલાં ભરશે.
સાથે જ પોક્સો કોર્ટ માટે રાજ્ય સરકારોનાં વલણ સામે પણ સુપ્રીમ કોર્ટે સખત નારાજગી દેખાડી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને ફટકાર લગાવતાં કહ્યું છે કે, સરકારો અદાલતનાં આદેશનું પાલન સારી રીતે કરી રહી નથી. સુપ્રીમે સ્પષ્ટ કહેલું છે કે, જે જિલ્લામાં પોક્સોનાં ૧૦૦થી વધુ કેસ હોય ત્યાં પોક્સો કોર્ટ અને વિશેષ વકીલોની નિયુક્તિ થવી જોઈએ.
પરંતુ તેનો અમલ અનેક રાજ્યોએ ન કર્યો હોય સુપ્રીમ કોર્ટે પોતાની નારાજગી વ્યકત કરીને આવા કેસોને ઝડપભેર ઉકેલવા પર ભાર મુકીને તમામ રાજ્ય સરકારો સુપ્રીમના સુચનાનો તુરંત અમલ કરે તેવી તાકીદ કરી છે.