- જામીનની શરતમાં કોઈ ફેરફાર કરવાની જરૂરીયાત જણાતી નથી સર્વોચ્ચ અદાલત
ઓફિસમાં અગાઉ કામ કરી ગયેલી યુવતી દ્વારા કરાયેલા દુષ્કર્મના કેસમાં વકીલ સંજય પંડિતના હાઇકોર્ટે મંજૂર કરેલા શરતી જામીન રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. ઉપરાંત વકીલ પંડિતની જામીનની શરતોમાં ફેરફારની અરજી સુપ્રીમે સ્વીકારી નથી.
આ અંગેની હકીકત મુજબ, એડવોકેટ સંજય પંડિત વિરુદ્ધ તેની ઓફિસમાં અગાઉ વર્ષ 2019માં 1 માસ ક્લાર્ક તરીકે કામ કરતી યુવતીએ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડવોકેટ પંડિત વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસોની કલમ હેઠળ ફરિયાદ કરી હતી, જે અનુસંધાને ધરપકડ બાદ ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ પંડિતની જામીનઅરજી મંજૂર કરી હતી. તેમાં ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ પંડિતને જામીન આપતી વખતે એવી શરત ફરમાવેલ હતી કે કેસ પૂરો નથાય ત્યાં સુધી એડવોકેટ પંડિતે રાજકોટ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં, પરંતુ સાથે સાથે શરતમાં એવું પણ જણાવેલ હતું કે કોર્ટ કાર્યવાહીઓ કરવા અને પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા રાજકોટમાં પ્રવેશી શકશે. એ રીતે શરતી જામીન ઉપર મુક્ત થયા હતા.
દરમિયાન ફરિયાદી યુવતી દ્વારા હાઇકોર્ટ દ્વારા એડવોકેટ પંડિતને આપવામાં આવેલ જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી અને સાથે સાથે એડવોકેટ પંડિતે પણ રાજકોટમાં પ્રવેશવાની છૂટ માંગતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જે બંને પિટિશનોની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે એડવોકેટ પંડિતને આપવામાં આવેલ જામીન રદ નહિ કરવાનો અભિગમ દર્શાવતા યુવતીના વકીલ દ્વારા એડવોકેટ પંડિતના જામીન રદ કરવાની પિટિશન પરત ખેચી લેવાની ફરજ પડેલ અને સાથે સાથે એડવોકેટ પંડિતની જામીન શરતોમાં ફેરફાર કરવાની પિટિશન સંદર્ભે એડવોકેટ પંડિતને કોર્ટ કાર્યવાહી માટે રાજકોટમાં પ્રવેશવાની છૂટ હોવાથી શરતમાં ફેરફાર કરવાની કોઈ આવશ્યકતા નહિ હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. આ કેસમાં આરોપી વતી એડવોકેટસ સોમેશ ચંદ્ર જહા, આલોક એમ. ઠક્કર, શ્રેય સૈની, અનિમેષ રાજોરીયા, આકાશ કિશોર વિગેરે રોકાયા હતા.