બંધારણીય બેંચ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી એસસી/એસટી કર્મીઓને અનામત આપી શકે છે સરકાર: સુપ્રીમ
અગાઉ દિલ્હી હાઈકોર્ટે એસસી/એસટી કર્મચારીઓને નોકરીઓમાં પ્રમોશન આપવાના આદેશને રદ કર્યો હતો
સરકારી નોકરીમાં બઢતીને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપવાની મંજુરી આપી દીધી છે. કોર્ટે કેન્દ્રને જણાવ્યું છે કે, જયાં સુધી બંધારણીય બેંચ આ અંગે અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી સરકાર પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે.
સુપ્રીમ કોર્ટના આ આદેશથી કેન્દ્ર સરકારને વિવાદમાંથી આંશિક રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, એટ્રોસીટી એકટ હેઠળ તત્કાલીન ધરપકડ ન કરી શકાય તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય કરતા દેશભરમાં દલિત સમાજમાં વિરોધ વંટોળ ઉભો થયો હતો અને સરકાર સમક્ષ મોરચો ઉભો કરી આક્રોશ વ્યકત કર્યો હતો. એટ્રોસીટી એકટમાં ફેરફારો પછી ઘેરાયેલી કેન્દ્ર સરકારને સુપ્રીમના આ બઢતીમાં અનામતના ચુકાદા બાદ થોડી રાહત મળશે.
ન્યાયાધીશ આદર્શકુમાર ગોયેલ અને અશોકભુષણની ખંડપીઠે કેન્દ્ર સરકારની અનામત નીતિને મંજુરી આપી છે. ખંડપીઠે મંજુરી આપતા કહ્યું કે, સરકારની અનામત નીતિ કાયદાને અનુરૂપ છે અને કાયદા મુજબ સરકાર પ્રમોશન આપી શકે છે.
જણાવી દઈએ કે, નોકરીઓમાં પ્રમોશન અંગે વિવિધ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટના આદેશને લીધે પર્સોનલ વિભાગે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬થી એક આદેશ બહાર પાડી તમામ પ્રકારના પ્રમોશન પર સ્ટે મુકી દીધો હતો. અને દિલ્હી હાઈકોર્ટે જ એસસી/એસટી કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશન આપવાના આદેશને રદ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટના આ આદેશને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો.
જેના પગલે સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી કેન્દ્ર સરકારની માંગ સ્વીકારી છે. એસસી/એસટી કર્મચારીઓને બઢતીમાં પણ અનામત અપાશે. જોકે, આ અંગે હજુ બંધારણીય બેંચ અંતિમ ચુકાદો આપશે.