સુપ્રીમ કોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામે ચાલતા કેસોની વિગતો પણ માગી

સુપ્રીમ કોર્ટે રાજકીય નેતાઓની સંડોવણી ધરાવતા ક્રિમીનલ કેસોની સુનાવણી માટે વિશેષ કોર્ટની રચના કરવાના પ્રસ્તાવને યોગ્ય ઠેરવતા કહ્યું છે કે આ પ્રક્રિયા દેશના હિતમાં છે.

આ સંદર્ભમાં સુપ્રીમે કેન્દ્ર સરકારને સમગ્ર યોજનાની વિગતો રજુ કરવાના નિર્દેશ આપ્યા છે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સરકાર પાસે ૨૦૧૪ની લોકસભા ચુંટણી વખતના ગુનાહિત ૧૫૮૧ ઉમેદવારો સામે ચાલતા ક્રિમીનલ કેસોની વિગતો માગી છે.

સુપ્રીમે સરકારને પૂછયું છે કે, ૧૫૮૧ માંથી કેટલા કેસોનો નિકાલ થયો અને કેટલા કેસોમાં સજા થઇ, આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સરકારને પૂછયું છે કે ૨૦૧૪ થી ૨૦૧૭ દરમિયાન કેટલા સાંસદો અને ધારાસભ્યો સામે નવા કેસ દાખલ કરવામાં આવ્યા અને તેમાંથી કેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો. કોર્ટ ૧૩ ડીસેમ્બરે આ સંદર્ભમાં વધુ સુનાવણી હાથ ધરશે. ન્યાયમૂર્તિ  રંજન ગોગોઇ અને નવીન સિંહાની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશ્નલ સોલિસિટર જનરલ (એ.એસ.જી.) આત્મારામ નંદકનીએ જણાવ્યું હતું કે રાજકારણીઓની સંડોવણી ધરાવતા કેસોના ઝડપી નિકાલ માટે સરકાર વિશેષ કોર્ટની રચનાને સમર્થન આપે છે. તેમણે જણાવ્યું હતું કે ક્રિમીનલ કેસોમાં સંડોવણી ધરાવતા નેતાઓ પર આજીવન પ્રતિબંધ મૂકવાના ચૂંટણી પંચ અને કાયદા પંચની ભલામણ ઉપર પણ કેંન્દ્ર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે. એડિશનલ સોલિસિટર જનરલે વિશેષ કોર્ટની રચના કરવાની વિગતો રજુ કરવા છ સપ્તાહનો સમય માગતા આ કેસોની વધુ સનાવણી ૧૩ ડીસેમ્બરે રાખવામાં આવી છે. ટૂંકમાં સુપ્રીમે ‘નઠારા’ નેતાઓ સામે ચાલતા કેસોની વિગતો માગી છે હવે ‘ગુનેગાર’ ઉમેદવારો સામે શું પગલા ભર્યા તેવો સુપ્રીમનો કેન્દ્રને સવાલ છે. સાંસદો અને ધારાસભ્યો સામે અગર કોઇ કેસ ચાલતા હોય તો તેની વિગતો પણ માગી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.