સુપ્રીમ કોર્ટની દલીલો હવે ઘેર બેઠા સાંભળી શકાશે!!
હાલના સમયમાં મહત્વપૂર્ણ ચુકાદાઓનું લાઈવ
પ્રસારણ કરવું અતિ જરૂરી: જસ્ટિસ ચંદ્રચુડ
સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે શુક્રવારે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ થકી કોર્ટની સુનાવણીને લોકો સુધી પહોંચાડવા માટે હાલ તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દેવાઈ છે. નોંધનીય બાબત છે કે, તેમણે કહ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા અગાઉ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે જેના આધારે હવે સુપ્રીમ પણ આ તરફ આગળ વધી રહી છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ દ્વારા જજમેન્ટ અને ઈ-ફાયલિંગની વેબસાઈટના અનાવરણ પ્રસંગે આ નિવેદન આપવામાં આવ્યું હતું.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગના સિદ્ધાંતને મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ હાલ સુધી સિદ્ધાંતનું અમલીકરણ કરવામાં આવ્યું ન હતું. સમગ્ર દેશભરમાં ફક્ત ગુજરાત હાઇકોર્ટ ખાતે જ લાઈવ સ્ટ્રીમિંગ થકી મહત્વપૂર્ણ ચુકાદાઓનું યુ-ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. હાલ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા કરાઇ રહેલી સુનાવણીઓ યુ-ટ્યુબ ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવે છે. સુપ્રીમની ઈ-કમિટીના ચેરપર્સન જસ્ટિસ ચંદ્રચુડ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગનું મહત્વ નોંધીને અદાલતની વિશ્વસનીયતા માટે આ પદ્ધતિ કેટલી મહત્વપૂર્ણ છે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.
જસ્ટિસ ચંદ્રચુડે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, લાઈવ સ્ટ્રીમિંગ સિસ્ટમ બાર કાઉન્સિલને વધુ ફ્રેન્ડલી બનાવવા માટે ખૂબ જરૂરી છે.સાથોસાથ ન્યાય પ્રણાલી સામે વાંધો ઉઠાવનારાઓ માટે પણ લાઈવ સ્ટ્રીમિંગ પદ્ધતિ અતિ મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લાઈવ સ્ટ્રીમિંગ પદ્ધતિ ઓરલ હિયરિંગ સિસ્ટમ વિરોધી નથી પરંતુ હાલના તબક્કે લાઈવ સ્ટ્રીમિંગ પદ્ધતિની ખૂબ જરૂરિયાત જણાઈ રહી છે.