સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ આગામી શનિવારે રાજકોટ પધારવાના છે. તેઓના હસ્તે ઘંટેશ્વરમાં બનેલા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમને લઈને કલેકટર તંત્રની અધ્યક્ષતામાં બીજા અનેક વિભાગો તૈયારીઓમાં લાગ્યા છે.

રાજકોટની ભાગોળે ઘંટેશ્વર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી નવા કોર્ટ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. જે હવે પૂર્ણ થઈ જતા વકીલો લાંબા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા અંતે તે લોકાર્પણની ઘડી આવી ગઈ છે.  નવા કોર્ટ બિલ્ડિંગનું આગામી તા.6એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. રૂ.110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ નવા બિલ્ડિંગમાં એકસાથે 52 કોર્ટ બેસશે જેથી વકીલોને હવે એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગના ચક્કર કાપવામાંથી મુક્તિ મળી જશે.

વકીલોની આતુરતાનો અંત : ઘંટેશ્વર ખાતે રૂ.110 કરોડના ખર્ચે તૈયાર થયેલુ નવુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ ખુલ્લું મુકાશે,  કલેકટર તંત્રની અધ્યક્ષતામાં અનેક વિભાગો તૈયારીઓમાં લાગ્યાં

રાજકોટ જિલ્લામાં નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટના બિલ્ડિંગ માટે કાયદા વિભાગ દ્વારા 2019માં મંજૂરી આપવામાં આવી હતી અને રૂ.118 કરોડ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થતા અમદાવાદની એજન્સીને કામ આપવામાં આવ્યું હતું અને રૂ.85 કરોડના ખર્ચે સિવિલ વર્ક અને રૂ.25 કરોડના ખર્ચે ફર્નિચરનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે 56658 ચો.મી. બિલ્ડિંગમાં નિર્માણ પામેલા કોર્ટ બિલ્ડિંગમાં કુલ પાંચ માળ બનાવવામાં આવ્યા છે અને 36520 ચો.મી. બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 6190 ચો.મી., બાકીના ચાર માળ ઉપર 5970 ચો.મી. તથા ટેરેસ પર 480 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવ્યું છે. આ નવા બિલ્ડિંગમાં એકસાથે 52 કોર્ટ બેસશે, તમામ જજીસ માટે ચેમ્બર ઉપરાંત પ્રથમ વખત સેપ્રેટ પાર્કિંગ, લાઇબ્રેરી અને વીડિયો કેન્ફરન્સ હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી વકીલો માટે ચેમ્બરો, વકીલો માટે બાર રૂમ, સ્ટાફ તથા અરજદારો માટે કેન્ટીન અને પાર્કિંગ, લેડીઝ જેન્ટસ ટોઇલેટ, સેન્ટ્રલ રેકર્ડ રૂમ, મુદ્દામાલ રૂમ, વિકલાંગો માટે રેમ્પ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

હાલ તા.6ના રોજ આ કોર્ટ બિલ્ડીંગના લોકાર્પણનો કાર્યક્રમ ફાઇનલ થયો છે. ઉપરાંત આ માટે સુપ્રિમના ચીફ જસ્ટિસ રાજકોટ પધારવાના છે. જેને પગલે જિલ્લા કલેકટર તંત્રની અધ્યક્ષતામાં અનેક સરકારી વિભાગો આ કાર્યક્રમની તૈયારીઓ અને પ્રોટોકોલની તૈયારીઓમાં લાગ્યા છે. જો કે હજુ ચીફ જસ્ટિસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર થયો નથી.

33 વર્ષ પૂર્વે પણ સુપ્રીમના ચીફ જસ્ટિસ રાજકોટ આવ્યા હતા!

ભૂતકાળમાં 33 વર્ષ પૂર્વે પણ તે સમયના સુપ્રિમના ચીફ જસ્ટિસ રાજકોટ આવ્યા હતા. ત્યારબાદ હવે ફરી સુપ્રિમના ચીફ જસ્ટિસ રાજકોટ આવી રહ્યા છે. જાણીતા એડવોકેટ સંજયભાઈ વ્યાસે આ પ્રસંગને વાગોળતા જણાવ્યું કે 1990માં રાજકોટ ખાતે મહિલા કોલેજમાં બે દિવસની લોકઅદાલત ગોઠવવામાં આવી હતી. જેમાં તે સમયના સુપ્રિમના ચીફ જસ્ટિસ સ્વ. રંગનાથ મિશ્રાએ હાજરી આપી હતી. સ્વ. રંગનાથ મિશ્રા ભારતના 21મા મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે 25 સપ્ટેમ્બર 1990 થી 24 નવેમ્બર 1991 સુધી સેવા આપી હતી. તેઓ ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ પણ હતા .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.