કોઈ પણ રાજ્ય ઓબીસીમાં ક્રીમીલેયર માત્ર આર્થિક આધાર પર નક્કી કરી શકે નહીં, આર્થિકની સાથે સામાજિક અને અન્ય આધાર પર ક્રીમીલેયર બનાવી શકાય : સુપ્રીમ
જન્મજાત પછાતપણાનો છેદ સુપ્રીમ કોર્ટે ઉડાડી દીધો છે. જે લોકો મોભાદાર છે તેને પછાત પણાનો લાભ નહિ મળે તેવું સ્પષ્ટ પણ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના એ નોટિફિકેશનને રદ કરી દીધું છે. જે અંતર્ગત હરિયાણા સરકારે ઓબીસીમાં નોન ક્રીમીલેયરમાં પ્રાથમિકતા નક્કી કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યોમાં ઓબીસી ક્રીમીલેયર માટે સબ ક્લાસિફિકેશનનો અધિકાર નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, રાજ્ય ઓબીસીમાં ક્રીમીલેયર માત્ર આર્થિક આધાર પર નક્કી કરી શકે નહીં. આર્થિકની સાથે સામાજિક અને અન્ય આધાર પર ક્રીમીલેયર બનાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, 17 ઓગસ્ટ, 2016ના નોટિફિકેશન અંતર્ગત હરિયાણા સરકારે માત્ર આર્થિક આધાર પર ક્રીમીલેયર નક્કી કર્યું હતું. સુપ્રીમ કોર્ટે આ નોટિફિકેશનને રદ કરી દીધું. હરિયાણા સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, તે અંતર્ગત ઓબીસીમાં છ લાખ સુધીની વાર્ષિક આવકવાળી વ્યક્તિઓને નોન ક્રીમીલેયર માની હતી. છ લાખથી વધુ આવકવાળી વ્યક્તિઓને ક્રીમીલેયર જણાવતા તેને રિઝર્વેશનથી વંચિત કરી દીધા હતા. સાથે જ છ લાખ સુધીની આવકમાં પણ સબ ક્લાસિફિકેશન કરાયું હતું અને ત્રણ લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિને પ્રાથમિકતા આપવાની વાત કરાઈ હતી.
આ ચુકાદાથી નોકરી અને એડમિશન ઉપર કોઈ ફરક નહિ પડે : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ચુકાદાથી એ નોકરીઓ અને એડમિશન પર ફરક નહીં પડે, જે નોટિફિકેશન અંતર્ગત આપવામાં આવ્યા છે. તેને ડિસ્ટર્બ ન કરવામાં આવે.હરિયાણા સરકારના નોટિફિકેશનને હરિયાના પિછડા વર્ગ કલ્યાણ મહાસભા અને અન્યોએ પડકાર્યું હતું. જોકે, હરિયાણા સરકારે પોતાના નોટિફિકેશનને લઈને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ઈન્દિરા સાહની કેસમાં અપાયેલા જજમેન્ટ મુજબ જ ક્રીમીલેયરની વ્યાખ્યા કરવામાં આવી છે. હરિયાણા સરકારે કહ્યું હતું કે, ઓબીસીની સામાજિક અને આર્થિક સ્થિતિ વિશે દરે જિલ્લામાં સર્વે કરાયો હતો.
હરિયાણા સરકારનું 2016નું ક્રિમિલેયર નોટિફિકેશન રદ , ત્રણ મહિનામાં નવું નોટિફિકેશન બહાર પાડવા આદેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હરિયાણા સરકાર ક્રીમીલેયરને ફરીથી વ્યાખ્યાયિત કરી નોટિફિકેશન બહાર પાડે. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકાર તરફથી 2016માં બહાર પડાયેલા નોટિફિકેશનને રદ કરી દીધું. કોર્ટે કહ્યું કે, આ નોટિફિકેશન ઈન્દિરા સાહની સાથે સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયની વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઈન્દિરા સાહની જજમેન્ટમાં કહેવાયું હતું કે આર્થિક, સામાજિક અને અન્ય આધાર પર ક્રીમીલેયર નક્કી થશે. સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને કહ્યું છે કે, તે ઈન્દિરા સાહની જજમેન્ટમાં નક્કી કરાયેલા સિદ્ધાંતો અંતર્ગત ક્રીમીલેયર વ્યાખ્યાયિત કરે. સાથે સુપ્રીમ કોર્ટે નવેસરથી ત્રણ મહિનાની અંદર નોટિફિકેશન બહાર પાડવાનો આદેશ પણ કર્યો છે.