ઓક્સિજન, દવા સહિતની અછત બાબતે પોસ્ટ મુકનારને
દંડીત નહીં કરવા સુપ્રીમના આદેશ
દેશમાં કોરોના સંકટની સ્થિતિમાં ઓક્સિજન સપ્લાય અને દવાઓ મુદ્દે સુઓ મોટો સુનાવણીમાં આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જો કોઈ નાગરિક સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની ફરિયાદ કરે છે, તો તેને ખોટી માહિતી ના ગણી શકાય. જો આવી ફરિયાદોમાં કાર્યવાહી કરવાનો વિચાર કરવામાં આવે છે તો અમે તે કોર્ટની અવમાનના માનીશું. કોર્ટે આ પ્રકારની પોસ્ટ મૂકનાર સામે કોઈપણ કાયદાકીય પગલાં ન લેવામાં આવે તેવો આદેશ કર્યો છે. કોર્ટનો આ નિર્ણય સાચા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ્યારે સિક્કાની બે બાજુની જેમ ફાયદા અને ગેરફાયદાઓ બન્ને હોય તેમ ખોટી મદદ માગી છેતરપિંડી આચરનારાઓની સંખ્યા પણ વધી જવાની દહેશત ઊભી થઇ છે.સોશિયલ મીડિયા મારફત અનેક છેતરપિંડી થતી હોય છે, યેનકેન પ્રકારે બહાનાઓ ગોતીને આર્થિક ઉચાપત સહિતની છેતરપિંડી કરતાં હોય છે. ત્યારે હવે કોરોના કાળમાં મારા દર્દીની સારવાર કરાવવાની છે પરંતુ પૈસાના અભાવે અમે કરાવી શકતા નથી તેવી પોસ્ટ કરીને ભોળી પ્રજા પાસેથી છેતરપિંડી કરી પૈસા ઉઘરાવનાર તત્વોની સંખ્યા પણ વધી શકે છે.
નવ્વાણું ગુનેગાર માફ, એક નિર્દોષને ન દંડાય?
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કોરોના અંગે માહિતી પ્રસાર પર કોઈ રોક ના હોવી જોઈએ. કોવિડ-19 સંલગ્ન સૂચના પર રોક કોર્ટની અવમાનના ગણાશે, આ અંગે પોલીસ મહાનિર્દેશકને નિર્દેશ આપવામાં આવે તેમ કોર્ટે જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે માહિતીનો મફત પ્રચાર થવો જોઈએ, આપણે પ્રજાનો અવાજ પણ સાંભળવો જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું કે આ અંગે કોઈ પૂર્વગ્રહ ના હોવો જોઈએ કે નાગરિકો દ્વારા ઈન્ટરનેટ પર કરવામાં આવતી ફરિયાદો ખોટી છે. સર્વોચ્ચ ન્યાયાલયે એ વાતની નોંધ પણ લીધે કે ડોક્ટર્સ અને આરોગ્ય કર્મીઓને પણ હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આગામી સ્થિતિ વધુ ખરાબ દેખાઈ રહી છે. કોર્ટે હોસ્ટેલ, મંદિર, ચર્ચ તેમજ અન્ય સ્થળો પર કોવિડ 19ના દર્દીઓની સારવાર કરવા કેન્દ્રો ઉભા કરવા માટેની વ્યવસ્થા કરવા પણ ટકોર કરી હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો કે ઓક્સિજનના ટેન્કોર તેમજ સિલિન્ડરના પુરવઠાની ખાતરી કરવા શું પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટે પૂછ્યું કે, ઓક્સિજનનો પુરવઠો ક્યાં સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે? જે લોકો પાસે ઈન્ટરનેટ સુવિધા નથી તેમજ જે લોકો નિરક્ષર છે, તેઓ વેક્સિન માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવશે. શું કેન્દ્રે કે રાજ્ય સરકારો પાસે તેની કોઈ યોજના છે. વેક્સિનેશન અંગે કોર્ટે જણઆવ્યું કે કેન્દ્રે રાષ્ટ્રીય રસીકરણ મોડેલ અપનાવવું જોઈએ કારણ કે ગરીબો રસીની કિંમત ચૂકવવા સક્ષમ નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે કોરોનાની સ્થિતિને લઈને સુઓ મોટો નોંધ લેતા ઓક્સિજન, દવાઓ, વેક્સિનેશનને લઈને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત કોર્ટે કેન્દ્રને પાસે નેશનલ પ્લાનની પણ માગ કરી હતી.