કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા ખેડુત આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજયસભામાં જણાવ્યું હતુ કે એમએસપી હતા છે અને રહેશે, ખેડુતોએ હવે આંદોલન પૂર્ણ કરવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આજે રાજયસભામાં વિપક્ષોને ઘેર્યા હતા અને ખેડુતોને આંદોલન પૂર્ણ કરવા અપીલ પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ રાજયસભામાં સંબોધનમાં જણાવ્યું હતુ કે સભામાં ફકત ખેડુત આંદોલનની વાત થઈ છે, સુધારાને લઈ કોઈ ચર્ચા જ થઈ નથી. તેમણે જણાવ્યું કે જયારે લાલ બહાદૂર શાસ્ત્રીએ જયારે ખેતી સુધારા કર્યા ત્યારે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો પણ તેઓ પાછા હટયા ન હતા એ સમયે ડાબેરીઓ કોંગ્રેસને અમેરિકાના એજન્ટ ગણાવ્યા હતા આજે તેઓ જ મને ગાળો આપે છે. તેમણે જણાવ્યું કે ગમે તે કાયદો બને તેમાં થોડા સમય પછી સુધારા થતા જ હોય છે.
વડાપ્રધાને જણાવ્યું કે અમે ખેડુતો સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. વૃધ્ધો આંદોલનમાં બેઠા છે. તેમણે ઘરે જવું જોઈએ અને ખેડુતોએ આંદોલન પૂર્ણ કરવું જોઈએ વડાપ્રધાને આ તકે ખેડુતોને ખાત્રી આપી હતી કે દેશમાં ટેકાના ભાવ હતા છે અને રહેશે અને અંતે બજારોને મજબુત કરવામાં આવી રહ્યા છે. દેશના 80 કરોડ લોકોને રેશન આપવામાં આવે તે પણ ચાલુ જ રહેશે. તમને એ જણાવીએ કે ખેડુત આંદોલન મુદે વિપક્ષ તરફથી સતત સરકાર સામે હંગામો કરવામાં આવી રહ્યો છે. જોકે રાષ્ટ્રપતિના પ્રવચનનો સમય વધારીને ખેડુતોના મુદે ચર્ચા પણ કરવામાં આવી હતી. સરકાર તરફથી અગાઉ પણ ખેડુતો સાથે વાતચીત થઈ ચૂકી છે. અને અત્યારે વાટાઘાટો ઉભી રહી છે.પણ હવે વડાપ્રધાન મોદીના રાજયસભામાં જવાબથી વધુ એક વખત વાટાઘાટોની સંભાવના વધી છે.
મનમોહનસિંહે કીધું એ અમે કર્યું :મોદી
વડાપ્રધાને રાજયસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કરેલા નિવેદનને વાંચ્યું હતુ જેમાં મનમોહનસિંહે અમારો વિચાર છે કે મોટી બજારને લાવવામાં અડચણો થઈરહી છે. અમારાપ્રયત્નો છે કે ખેડુતોને મોટા બજારોમાં તેની ઉપજ મેળવવા પરવાનગી મળે. મનમોહનસિંહે જે કહ્યું એજ અમે કરી રહ્યા છીએ. એના માટે તો તમારે ગર્વ લેવો જોઈ. દુધનું કામ કરનારા, પશુપાલન કરનારા વગેરેને ખૂલ્લી છૂટ છે પણ ખેડુતોને આવી છૂટ નથી પણ હવે અમે એ પણ કરી રહ્યા છીએ તેમ તેમણે જણાવ્યું હતુ.
વડાપ્રધાને વિપક્ષોને ઘેર્યા
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કૃષિ કાયદા અંગે વિપક્ષોને ઘેરતા જણાવ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર સહિત કેટલાક કોંગ્રેસી આગેવાનોએ કૃષિ સુધારાની વાત કરી છે. શરદ પવારે પણ અત્યારે કૃષિ સુધારાનો વિરોધ કર્યો નથી અમને જે સારૂ લાગ્યું તે અમે કર્યું છે. આગામી સમયમાં અમે સુધારા કરતા રહીશું અત્યારે વિપક્ષ યુ-ટર્ન લઈ રહ્યો છે. કારણ કે એમાં રાજકારણ આવી ગયું છે.