ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી માટે સમાન રાષ્ટ્રીય નીતિ બનાવવાના બદલે રાજય પ્રમાણે
ખેડુતોને મદદ થાય તે યોગ્ય હોવાનો નીતી આયોગના ઉપાઘ્યક્ષ રાજીવ કુમારનો મત
દેશના તમામ રાજયોમાં ઉપજની વિવિધ ખેત પેદાશોના ટેકાના ભાવે દરેક રાજયોની સ્થિતિ પ્રમાણે નકકી કરવામાં આવે છે. ખેડુતોને તેની ખેતપેદાશોની ઉ૫જની પ૦ ટકા રકમ આપવાની કેન્દ્ર સરકારની નીતી છે તેમ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા નીતી આયોગના ઉપાઘ્યક્ષ રાજીવકુમારે જણાવ્યુ હતું નીતી આયોગના ઉપાઘ્યક્ષપદે વરણી પામ્યા બાદ ગુજરાતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવેલા રાજીવ કુમારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્ય સચિવ જે.એન.સીંગ સહીતના ઉચ્ચ સત્તાધીશો સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.
આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત કરતા રાજીવકુમારે જણાવ્યું હતું કે આ બેઠકમાં મુખ્યત્વે ખેડુતોને વિવિધ ખેત પેદાશોનાં અપાતા ટેકાના ભાવો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં સરકાર હાલમાં ૮.૫ લાખ ટન મગફળીની ખરીદી કરી રહી છે તે વિશે મને માહીતી અપાઇ છે અમે દરેક રાજય સરકારોને તેમના રાજયમાં થતી ખેતપેદાશોની ટેકાના ભાવે કે, વેચાણ આજે બજારભાવ વચ્ચે તફાવતની ચૂકવણી કરીને અથવા વ્યવસ્થા કરે તે પ્રમાણે ખરીદી કરવાની પસંદગી આપીએ છીએ ખેડુતો સરળતાથી સારા લાવે ખેત પેદાશો વેંચી શકે તે માટે રવિ પાકની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી માટે સમાન રાષ્ટ્રીય નીતી બનાવવાની અમે તરફેણ કરતા નથી. દરેક રાજયોમાં વિવિધ ખેત ઉત્પાદનોની ઉપજ અલગ અલગ હોય તથા ખર્ચ પણ અલગ અલગ થતો હોય ટેકાના ભાવો નકકી કરવાની સત્તા રાજય સરકારોનો આપી છે. તેમ જણાવીને રાજીવકુમારે ઉમેર્યુ હતું કે, જામનગર અને કંડલા વચ્ચે કોસ્ટલ ઇકોનોમી ઝોન બનાવવાની રૂપાણી સરકારે માંગ કરી છે. આ અંગે અમો સંબંધીત વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરીને આ ઝોનની બનાવવાની કાર્યવાહી ઝડપભેર શરુ થાય તે માટે પ્રયત્નો કરીશું.
રાજયમાં હાલની પાણીની કટોકટી સ્થિતિ અંગે રાજીવકુમારે જણાવ્યું હતું કે નર્મદાના પાણી પુરવઠામાં લગભગ ૫૦ ટકાનો કાપ મુકાયો હોય આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અમે રાજય સરકારના દરિયાઇ પાણીને શુઘ્ધ કરીને દરરોજ ૧૦૦ મીલીયન લીટર પીવાનું પાણી બનાવવાની યોજનાને મંજુરી આપી છે. અને દરેક દરિયાઇ રાજયોમાં આવા પ્રોજેકટો કાર્યરત થાય તે માટે અમો પ્રયત્નશીલ છીએ. તેમણે એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ એક લાખ યુવાનોનો અપાતા ૧પ૦૦ રૂ ના ભથ્થાની રકમમાં વધારો કરવા યોજના બનાવી રહ્યાનું ઉમેર્યુ હતું.
ગુજરાત ઓદ્યોગીકરણ માળખાકીય સુવિધા વીજળી જેવા ક્ષેત્રોમાં દેશભરમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. જયારે આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પાછળ છે. રાજય સરકારે જે ક્ષેત્રોમાં પાછળ છે તેના વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં વધારે રકમની ફાળવણી કરી હોવાનું મને જાણવા મળ્યું છે. તેમ જણાવીને રાજીવ કુમારે અંતમાં જણાવ્યું હતું કે બાળ કુપોષણ અને એમએમઆર રસીકરણ જેવા મુદ્દાઓ પર વધારે ઘ્યાન કેન્દ્રત કરવા રાજય સરકારને તેમણે સલાહ આપી છે.