રિયલ એસ્ટેટનું કાળું નાણું બહાર લાવવામાં મદદ મળશે તેવો દાવો નોટબંધીને વર્ષ પૂરું થયું છે ત્યારે મોદી સરકાર વધુ એક પગલું લેવાની તૈયારીમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળું નાણું નાથવા માટે નોટબંધીની જાહેરાત કરી ત્યારે એક ટીકા એવી થઈ હતી કે મોટાપાયે કાળું નાણું તો રોકડ કરતાં સ્થાવર મિલકતો સ્વરૂપે જ સંગ્રહાયેલું છે. સરકારે કહ્યું હતું કે નોટબંધી કાળા નાણાં સામેનું માત્ર એક પગલું છે અને વધુ પગલાં લેવાશે. હવે નોટબંધીને એક વર્ષ થઈ ગયું છે ત્યારે સરકાર આ બીજા સ્વરૂપ એવી ગેરકાયદેસર પ્રોપર્ટી પર ત્રાટકવાની તૈયારીમાં છે. સરકાર હવે પ્રોપર્ટીને આધાર સાથે લિન્ક કરવાનું ફરજિયાત બનાવવા જઈ રહી છે.
મોદી સરકાર ગેરકાયદેસર પ્રોપર્ટી પર ત્રાટકવા સજ્જ થઈ ગઈ હોવાનો સૌપ્રથમ સંકેત કેન્દ્રીય હાઉસિંગ મંત્રી હરદીપ પુરીએ આપી દીધો છે અને કહ્યું છે કે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનને આધાર સાથે લિન્ક કરવાનું ફરજિયાત બનાવાશે. પુરીએ કહ્યું હતું કે આ લિન્ક થઈને જ રહેશે, તેમાં કોઈ શંકા નથી. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનને આધાર સાથે લિન્ક કરવાથી રિયલ એસ્ટેટમાં જે કાળું નાણું છે તેને બહાર લાવવામાં અને બેનામી સંપત્તિનો પર્દાફાશ કરવામાં મોટી મદદ મળશે. તેમણે કહ્યું કે આધાર સાથે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન લિન્ક કરવાનો વિચાર જોરદાર છે, પરંતુ હું તેની જાહેરાત નથી કરતો. અમે આધાર સાથે બેન્ક ખાતા વગેરે તો લિન્ક કરી જ રહ્યા છીએ અને એ જ રીતે પ્રોપ્રટી માર્કેટ માટે પણ કેટલાક વધારાના પગલાં લઈ શકીએ છીએ. વડાપ્રધાન મોદીએ અનેકવાર સંકેત આપ્યો છે કે સરકાર બેનામી સંપત્તિ પર ગમે ત્યારે ત્રાટકશે. આધાર સાથે આ લિન્ક કરવાનું પગલું એ ઝુંબેશનો એક ભાગ હોઈ શકે છે.
શું આ પ્રકારે આધાર સાથે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન લિન્ક કરવાથી પારદર્શકતા આવી જશે કે કેમ તેવા સવાલના જવાબમાં પુરીએ કહ્યું કે ચોક્કસ. તેમણે કહ્યું કે બે વ્યક્તિ વચ્ચે કોઈ સોદો પાર પડતો હોય તો તે સંપૂર્ણ પારદર્શક જ હશે તેવું તો સાવ કોઈ ન કહી શકે, પરંતુ જંગી રકમની લેવડ-દેવડ જેમ કે પ્રોપર્ટી અને વિમાનની ટિકિટ વગેરે પર તેને કારણે ચોક્કસ નજર રાખી શકાશે. સંપૂર્ણ કેશલેસ તો વિશ્વનું કોઈ જ અર્થતંત્ર નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક વર્ષમાં મોદી સરકારે વિવિધ સરકારી યોજનાઓ અને ઓળખ માટે આધાર લિન્કેજ ફરજિયાત બનાવી દીધું છે. તેના અમલમાં વત્તા-ઓછા અંશે સમયમર્યાદા વધારવામાં આવી છે તે અલગ વાત છે. આધાર લિન્ક કરવા સામે સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી થઈ રહી છે, પરંતુ વિવિધ સ્તર પર આધાર નંબર ફરજિયાત બનાવવા તરફ સરકાર આગળ ધપી રહી છે.