ફાયર બ્રિગેડ શાખામાં મૃત્યુ નોંધ અને સ્મશાનમાં અંતીમ સંસ્કાર માટે આધારકાર્ડની ઝેરોક્ષ મંગાતી હોવાની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડિંગ ચેરમેન પરિપત્ર પ્રસિઘ્ધ કરાવ્યો
કેન્દ્ર સરકાર દ્વારા ગત ૧લી ઓકટોબરથી મૃતકના ડેથ સર્ટિફિકેટ માટે આધારકાર્ડ ફરજીયાત કરીદેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા મૃતકના અગ્નિ સંસ્કાર માટે આપવામાં આવતી પરવાનગી અને સ્મશાનના સંચાલકો દ્વારા અગ્નિ સંસ્કાર વેળાએ આધારકાર્ડની ઝેરોક્ષ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે તાજેતરમાં એક પરીપત્ર પ્રસિઘ્ધ કરાવ્યો છે. જેમાં હવે ફાયર બ્રિગેડની ચીઠ્ઠી માટે અને સ્મશાનમાં મૃતકના અગ્નિસંસ્કાર માટે આધારકાર્ડની ઝેરોક્ષ આપવાની કોઈ જરૂરીયાત રહેશે નહીં માત્ર ડેથ સર્ટિફિકેટ કઢાવતી વેળાએ આધારકાર્ડની નકલ આપવાની રહેશે. જો આ નકલ ના હોય તો સદગતના સ્વજનોએ સોગંદનામું રજુ કરવાનું રહેશે.આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત ૧લી ઓકટોબરથી ડેથ સટિર્ફિકેટ માટે આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. મહાપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા મૃતકના અગ્નિ સંસ્કારની મંજુરી આપવા માટે જે પરવાનગી ચીઠ્ઠી આપવામાં આવે છે તે આપતી વેળાએ મૃતકના સ્વજનો પાસેથી મૃતકના આધારકાર્ડની નકલ માંગવામાં આવતી હતી. આ ઉપરાંત સ્મશાનમાં પણ મૃતકના અગ્નિ સંસ્કાર પૂર્વે સ્મશાનના સંચાલકો દ્વારા આધારકાર્ડની નકલ માંગવામાં આવતી હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે તાજેતરમાં મહાપાલિકા દ્વારા એક પરીપત્ર પ્રસિઘ્ધ કરવામાં આવ્યો છે. જેમાં ફાયર બ્રિગેડની ચીઠ્ઠી અને સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ માટે મૃતકના સગાએ આધારકાર્ડની નકલ આપવાની રહેશે નહીં. માત્ર ડેથ સર્ટિફિકેટ વેળાએ આધારકાર્ડની નકલ આપવાની રહેશે. જો કોઈ વ્યકિત પાસે મૃતક સ્વજને આધારકાર્ડ કઢાવ્યું ન હોય તો તે સોગંદનામું રજુ કરી દેશે તેવા કિસ્સામાં તેમને ડેથ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે.