આધારકાર્ડ ન હોય તેવા કિસ્સામાં મૃતકના સગાએ સોગંદનામુ રજૂ કરવું પડશે
ભારત સરકારના આદેશ મુજબ આગામી ૧લી ઓકટોબરથી મરણ નોંધણી માટે આધાર કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા પણ આગામી ૧લી ઓકટોબરથી ડેથ સર્ટીફીકેટ માટે આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવું પડશે તેવું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આધારકાર્ડ ન હોય તેવા કિસ્સામાં મૃતકના સગાએ સોગંદનામુ રજૂ કરવાનું રહેશે.રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી ગત ૪ ઓગષ્ટના રોજ એક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આધાર અધિનિયમ ૨૦૧૬ની કલમ ૫૭ અને જન્મ નોંધણી અધિનિયમ ૧૯૬૯ની કલમ ૩ (ત્રણ) મુજબ કોઈપણ વ્યક્તિની ઓળખ કાયમ રહે અને તેના મૃત્યુ પછી તેનો ખોટો વપરાશ ન થાય તે હેતુથી ૧લી ઓકટોમ્બર ૨૦૧૭થી દરેક મૃતકના મરણની નોંધણી સાથે આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી આપવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.જે અન્વયે મ્યુનિ.કમિશનરની મંજૂરી મળતા મહાપાલિકા દ્વારા આગામી ૧લી ઓકટોમ્બરથી મરણનોંધ કરાવવા માટે આધાર નંબર અથવા ઈઆઈડી રજૂ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો જન્મથી ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ થાય તો તેની નોંધણી સાથે આધારકાર્ડ કે ઈઆઈડી ન હોય તેવા કિસ્સામાં માતા-પિતા દ્વારા આધાર કે ઈઆઈડી નથી તેવું એકરાર રજૂ કરવાનું રહેશે. ત્રણ વર્ષથી મોટી ઉંમરના મૃતકનું આધાર કે ઈઆઈડી ન હોય તેવા કિસ્સામાં મૃતકના સગાએ નોટરાઈઝ સોગંધનામુ રજૂ કરવાનું રહેશે.