રાજકોટના ચારેય ઝોનમાં હજુ ૪૦ થી ૪૫ ટકા આધારકાર્ડ વેરીફીકેશન બાકી: સિસ્ટમ અમલી બનવા સામે પ્રશ્નાર્થ

આગામી ૧લી જુલાઈથી રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થાને આધારકાર્ડ આધારીત બનાવવા તરફ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ આ મુદતમાં કોઈ વધારો ન થતા રાજકોટના સસ્તા અનાજના વેપારીઓના જીવ પડીકે બંધાયા છે. એક તરફ કનેકટીવીટી મળતી નથી તો બીજીતરફ આધારકાર્ડ આધારીત સોફટવેરમાં ટેકનીકલ ખામીના કારણે ગ્રાહકોના અંગુઠા ન આવતા હોવા ઉપરાંત કંઈ કેટલાય વેપારીઓ પાસે રહેલા ભુતિયા રેશનકાર્ડનું શું થશે તેની ચિંતા સતાવી રહી છે તો બીજીતરફ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આધારકાર્ડનું વેરીફીકેશન પૂર્ણ કરી શકી નથી અને હજુ ૪૦ થી ૪૫ ટકા આધારકાર્ડનું વેરીફીકેશન બાકી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજયના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા ૧લી માર્ચથી આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થા અમલી બનાવવાની જાહેરાત કર્યા બાદ સસ્તા અનાજના વેપારીઓની રજુઆત બાદ આ મુદતમાં ત્રણ માસનો વધારો કરી ૧ જુલાઈથી ફરજીયાતપણે આધારકાર્ડ આધારીત વિતરણ વ્યવસ્થા અમલી કરાવવા જાહેર કર્યું છે. જેથી આગામી ૧ જુલાઈથી જે રેશનકાર્ડધારકોએ આધારકાર્ડ આપ્યા છે તેઓને જ જથ્થો મળશે.

બીજી તરફ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થા માટે જરૂરી આધારકાર્ડનું વેરીફીકેશન કરવામાં ખુબ જ ઢીલ રાખી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં રાજકોટ શહેરના ચારેય ઝોનમાં સરેરાશ ૪૦ થી ૪૫ ટકા રેશનકાર્ડનું વેરીફીકેશન બાકી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ સંજોગોમાં ૧લી જુલાઈથી આધારકાર્ડ આધારીત રેશનીંગ કેવી રીતે શકય બનશે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે.

દરમિયાન રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી જોશીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આધારકાર્ડનું વેરીફીકેશન પૂર્ણ થવાના આરે છે જોકે શહેરી વિસ્તારમાં ઝોનલ-૧ અને ૨માં ૬૦ થી ૬૫ ટકા, ઝોન ૩માં પણ ૬૦ ટકા અને ઝોન-૪માં ૭૦ થી ૭૫ ટકા જેટલું વેરીફીકેશન થઈ ચુકયું છે અને આગામી અઠવાડિયે તમામ ઝોનલ ઓફિસરોની બેઠક બોલાવી આધારકાર્ડ વેરીફીકેશનની કામગીરી ઝુંબેશ‚પે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં અનેક વેપારીઓ પાસે ભુતીયા કે બોગસ રેશનકાર્ડનો મોટો જથ્થો હયાત છે. જેના કારણે રેશનકાર્ડનું ૧૦૦ ટકા આધારકાર્ડ વેરીફીકેશન થઈ શકતું ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ સંજોગોમાં ૧લી જુલાઈથી ફરજીયાતપણે આધારકાર્ડ આધારીત જાહેર વિતરણ વ્યવસ્થા શ‚ થશે કંઈ કેટલાય વેપારીઓના રોટલા અભડાઈ જશે તે નિશ્ચીત છે ત્યારે આધારકાર્ડને લઈ હાલતુર્ત તો સસ્તા અનાજના વેપારીઓના જીવ આધારકાર્ડના કારણે પડીકે બંધાયા હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.