વોર્ડ નં.2, 7, અને 8ના અનેક વોર્ડમાં નિર્ધારિત સમય કરતા 10 કલાક વિતરણ મોડું: નર્મદાના નીર પણ પાંચ કલાક બંધ

એક તરફ શિયાળો જમાવટ લઇ રહ્યો છે. બીજી તરફ ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ શહેરમાં પાણીના ધાંધીયા સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. શિયાળાની ઠંડીમાં એસી પ્રેશરના કારણે પાઇપ લાઇન તૂટવાની ઘટના હવે સતત વધતી રહેશે. આજે સવારે કાલાવડ રોડ પર આત્મીય કોલેજની સામે ન્યારી ઇએસઆઇ-જીએસઆરમાં 600 એમ.એમ.નો સપ્લાય વાલ્વ તૂટવાના કારણે શહેરના ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. નિર્ધારિત સમય કરતા વોર્ડ નં.2, 7 અને 8ના અનેક વિસ્તારોમાં 10 કલાક મોડું પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે વહેલી સવારે 5.30 કલાકે ન્યારી પાણીના ટાંકે સપ્લાયના મુખ્ય વાલ્વમાં ભંગાણ સર્જાયું હતું. પાણીનો ટાંકો ભરેલો હોવાના કારણે રિપેરીંગની કામગીરી પર અસર પડી હતી. બપોરે બે વાગ્યા આસપાસ રિપેરીંગ પૂર્ણ થયા બાદ પાણીના ટાંકામાં લેવલ થતાં બપોરે 3.30 કલાકથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.2 (પાર્ટ), વોર્ડ નં.7 (પાર્ટ) અને વોર્ડ નં.8 (પાર્ટ)ના અનેક વિસ્તારોમાં આજે નિર્ધારિત સમય કરતા 10 કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં જબ્બરો દેકારો બોલી ગયો હતો. જીડબલ્યૂઆઇએલ દ્વારા પમ્પીંગ સ્ટેશન પર આજે મેઇન્ટેનન્સની કામગીરીના કારણે રાજકોટને અપાતા નર્મદાના નીર પાંચ કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે વિતરણ વ્યવસ્થા પર કોઇ અસર પડશે નહિં તેવું ઇજનેરી સૂત્રો જણાવી રહ્યાં છે. નર્મદાની નીરની જે ઘટ્ટ પડશે તે ડેમમાંથી વધારાનું પાણી ઉપાડીને પરીપૂર્ણ કરી લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.