પ્રવાહીનું અનઅધિકૃત રીતે વેંચાણ થતું હોવાની શંકાએ નમૂના લેવાયા, રિપોર્ટ બાદ કરાશે કાર્યવાહી: કુલ રૂ.૬૭.૬૨ લાખનો મુદ્દામાલ સીઝ
પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક એક શેડમાં ઓઈલ જેવા શંકાસ્પદ પ્રવાહિ રાખ્યા હોવાની બાતમીના આધારે પુરવઠા શાખા તેમજ પ્રાંત, મામલતદાર અને પોલીસની ટીમે દરોડો પાડી ચાર ટેન્કર પ્રવાહી સીઝ કર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હાલ પુરવઠા શાખાએ પ્રવાહીના નમૂના લઈને તેને લેબમાં મોકલયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. વધુમાં પુરવઠા શાખાએ આ શેડનો કુલ રૂ.૬૭.૬૨ લાખનો મુદ્દામાલ સીલ કરી દીધો છે.
પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક આવેલી સાગર એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં પ્રોપરાઈટર સોહીલભાઈ અલ્લારખાભાઈ શંકાસ્પદ પ્રવાહિનું વેંચાણ કરતા હોવાની જિલ્લા કલેકટરને બાતમી મળતા તેઓએ પુરવઠા શાખાનેઆ મામલે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેના પગલે ઈન્ચાર્જ પુરવઠા અધિકારી ધાધલ, ચિફ સપ્લાયર ઈન્સ્પેકટર પરસાણીયા તેમજ પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશ, પડધરી મામલતદાર ભાવનાબેન વિરોજા, પડધરી પીએસઆઈ વાઢીયા સહિતનાઓએ દરોડો પાડયો હતો.
આ પેઢીના શેડમાં ચાર ટેન્કર પ્રવાહીના ભર્યા હતા. આ વેળાએ પેઢીના સંચાલકે આ શંકાસ્પદ પ્રવાહી ઓઈલ હોવાનું જણાવી ઓઈલના બીલો પણ રજૂ કર્યા હતા. ત્યારે પુરવઠા શાખા દ્વારા શંકાના આધારે ચાર ટેન્કર પ્રવાહી મળી કુલ રૂ.૬૭,૬૨,૫૩૦નો મુદ્દામાલ સીલ કરીને પ્રવાહીના નમૂના લઈને તેને લેબમાં મોકલ્યા છે. હવે આગળની કાર્યવાહી લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવનાર છે.