તહેવાર ટાણે જ હડતાલને કારણે રેશનકાર્ડ ધારકોની હાલત કફોડી, સરકાર હરકતમાં
સસ્તા અનાજના વેપારીઓ સાથે પુરવઠા નિયામકે મંત્રણા હાથ ધરી છે. તહેવાર ટાણે જ હડતાલને કારણે રેશનકાર્ડ ધારકોની હાલત કફોડી બની છે. તેવામાં સરકાર હરકતમાં આવતા હવે સમાધાન થાય તેવા અણસાર મળી રહ્યા છે.
ગુજરાતના વ્યાજબી ભાવના તમામ દુકાનદારો અસહકાર આંદોલનની શરૂઆત કરી છે. તેઓએ સપ્ટેમ્બરના તહેવાર નિમિત્તે ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતા તેલ ખાંડનો જથ્થાનું વિતરણ બંધ કર્યું છે. સરકાર દ્વારા ઓગસ્ટ 2022માં મિનિમમ 20,000 કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી. જેની સામે આખરે નાછૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. તેવું એસોસિએશને જણાવ્યું છે.
વધુમાં જણાવ્યા મુજબ ગત 2022 ઓગસ્ટના રોજ આ બાબતે સરકાર સાથે એસોસિયેશનની મિટિંગ મળેલ હતી જેમાં આ બંને પ્રશ્ન બાબતે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં ન આવતા એસોસિએશ . દ્વારા અસહકાર આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવેલ છે.
હાલ આ હડતાલને પગલે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય, પુરવઠા નિયામકે આજે બન્ને એસોસિએશનના પ્રમુખો સાથે મંત્રણા હાથ ધરી છે. જેને પગલે સાંજ સુધીમાં સુખદ સમાધાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સથી મીટીંગ યોજવામાં આવી હતી.
જેમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કલેક્ટરોને સ્થાનિક કક્ષાએ એસોસિએશનના પ્રમુખોને સમજાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.