કઠોળના સ્ટોક સંદર્ભે પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં પુરવઠા ઈન્સ્પેકટર હસમુખ પરસાણીયા સહિતની ટીમે જિલ્લામાં 16 વેપારીને ત્યાં આકસ્મીત તપાસ હાથ ધરી હતી જેમાં 10 વેપારીને ત્યાં સ્ટોક બરાબર હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે 6 વેપારીને ત્યાં મર્યાદાથી વધુ સ્ટોક મળી આવતા તેઓને નિયત સમયમાં સ્ટોકનો નિકાલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
10 પેઢીમાં બધુ બરાબર, છ પેઢીમાં મર્યાદાથી વધુ સ્ટોક મળી આવતા નિયત સમયમાં વધારાના સ્ટોકનો નિકાલ કરવાનો આદેશ
પુરવઠા ઈન્સ્પેકટર હસમુખ પરસાણીયા સહિતની ટીમની ચેકિંગ ઝુંબેશ: હજુ તપાસ ચાલુ જ રહેશે
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા કઠોળના સ્ટોક સંદર્ભે જિલ્લાભરમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા કઠોળ (મગ સીવાયની જણસી)ની 31-10-2021 સુધી સ્ટોક મર્યાદા જાહેર કરાઈ છે. જો સ્ટોક મર્યાદાની બહાર જથ્થો મળી આવે તો જાહેરનામાની તારીખ 2-7-21થી 30 દિવસની અંદર જથ્થો નિકાલ કરવાનો તેવી ગાઈડ લાઈન નક્કી કરવામાં આવી છે.
આ સંદર્ભે કોટડા સાંગાણી, રાજકોટ, લોધીકા તથા ગોંડલ તાલુકામાં 16 પેઢીની આકસ્મીત તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોંડલ તાલુકામાં એ.જી.ટી ફૂડર્સ ઈન્ડિયા પ્રા.લી.-અનિડામાં તપાસ સમયે સ્ટોક લીમીટ કરતા 301 મેટ્રીક ટન ચણાનો વધુ જથ્થો મળી આવ્યો હતો. આર.બી.કિશાન પ્રા.લી.માં નિયત સ્ટોક કરતા 1319 મેટ્રીક ટન ચણાનો જથ્થો વધુ મળી આવ્યો હતો. જ્યારે જય ગણેશ એગ્રો ફૂડર્સ ઈન્ડીસ-જામવાડીમાં બધુ બરાબર જણાયું હતું. કિર્તી ઉદ્યોગમાં સ્ટોક લીમીટ કરતા 1131 મેટ્રીક ટન ચણા વધુ જણાવ્યા હતા.
શ્રી રામ ક્લીનીંગમાં બધુ બરાબર જણાયું હતું. જ્યારે કોટડા સાંગાણી તાલુકામાં વિજય પલ્સ પ્રા.લી.માં તેમજ વિન્સ એગ્રો પ્રા.લી.માં બધુ બરાબર જણાયું હતું. હડમતાળાના શ્રીરામ પલ્સ મીલમાં નિયત સ્ટોક કરતા ચણા 37 મેટ્રીક ટન વધુ મળી આવ્યા હતા. સમ્રાટ ઈન્ડ.માં બધુ બરાબર જણાય આવ્યું હતું.
રાજકોટ તાલુકામાં જયેશ પલ્સ ઈન્ડ. કુવાડવા, જયેશ પલ્સ પ્રોડકટસ પ્રા.લી. કુવાડવા, રીધ્ધી એગ્રો પલ્સ પ્રા.લી.જી્રઆઈડીસી કુવાડવા, મહાદેવ ફૂડસ ઈન્ડ.-માલીયાસણમાં બધુ બરાબર જણાયું હતું. જ્યારે લોધીકા તાલુકામાં મહેશ રોલર એન્ડ ફલોર મીલર્સ અને રઘુવીર પલ્સ મીલ-જીઆઈડીસી મેટોડામાં બધુ બરાબર જ્યારે ગોપાલ સ્નેક પ્રા.લી.-જીઆઈડીસીમાં ચણા 70 મેટ્રીક ટન વધુ મળી આવ્યા હતા. જ્યાં જ્યાં નિયત કરતા વધુ સ્ટોક મળી આવ્યો હતો ત્યાં જાહેરનામાના તારીખથી 30 દિવસની અંદર વધારાના જથ્થાનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.