જિલ્લામાં 27 બિલ્ડીંગમાં 21મી જુલાઇ સુધી પરીક્ષા ચાલશે: ધોરણ-10ના 4,974, સામાન્ય પ્રવાહના 2100 અને વિજ્ઞાન પ્રવાહના 600 છાત્રોની કસોટી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા આગામી ચાર દિવસ એટલે કે 21મી જુલાઇ સુધી ચાલનારી છે. જેમાં ધોરણ-10ના 4,974, સામાન્ય પ્રવાહના 2100 અને વિજ્ઞાન પ્રવાહના 600 છાત્રોની કસોટી ચાલુ થઇ છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડો.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પૂરક પરીક્ષાને લઇને રાજકોટમાં 27 અલગ-અલગ કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ધોરણ-10 અને ધોરણ-12માં નાપાસ થયેલા 7,674 વિદ્યાર્થીઓની આજથી પૂરક પરીક્ષા શરૂ થઇ છે. આ માટે 27 બિલ્ડીંગો ફાળવવામાં આવ્યા છે.
જેમાં ધોરણ-10માં આઇપી મિશન, લાલબહાદુર, કાંતા સ્ત્રી વિકાસગૃહ તેમજ ધોરણ-12માં જી.ટી.શેઠ અને લાલબહાદુર શાસ્ત્રી સહિતની સ્કૂલો ફાળવવામાં આવી છે. ધોરણ-10માં કુલ 16 કેન્દ્રો તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આઠ બિલ્ડીંગ પરથી તો વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ બિલ્ડીંગ પરથી વિદ્યાર્થીઓ ચાર દિવસ પરીક્ષા આપશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોઇ અનિચ્છનીય બનાવ કે ચોરીની ઘટના ન બને તે માટે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ નિગરાણી માટે તમામ બિલ્ડીંગ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર દિવસ કોઇ ગેરરીતી ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. જો કે, રાજકોટમાં એકદંરે શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષાનો પ્રારંભ થયો છે.