શ્રધ્ધા રાખવી એ સારી બાબત કહેવાય પરંતુ અંધશ્રદ્ધા રાખવી એ ક્યારેક હાનિકારક સાબિત થાય છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના કચ્છમાં થઈ છે. જ્યાં એક પરિવારના સભ્યોના હાથ ઉકળતા તેલમાં નાખી દેવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગેડી ગામે અંધશ્રદ્ધાનું ભયાનક રૂપ જોવા મળ્યું છે.

હમીરપર ગામની નજીક આવેલી ભક્તિ વાંઢની કન્યાના લગ્ન ગેડી ગામે રત્ના કાના સાથે સમાજના રીતિ રીવાજ મુજબ થયા હતા. પરંતુ બે માસ પહેલા જમાઈ સાથે પિયર આવેલી દીકરી જમાઈના ગયા બાદ થોડા દિવસમાં જ ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના બાદ બન્ને પક્ષના લોકોએ મહિલાની તપાસ કરી હતી, પરંતુ પરિણીતા મળી નહીં.

આ અંગે બન્ને પક્ષે વાદ વિવાદ ચાલી રહ્યો હતો દરમ્યાન ગઈકાલે જમાઈ સહિત સાસરા પક્ષના કુલ 9 લોકો દ્વારા પિયર પક્ષના સસરા હીરા ધરમશી સહિત કુલ 6 વ્યક્તિને સમાધાન કરવા ગેડી ગામે બોલાવ્યા હતા ત્યાંથી નજીક આવેલા માતાજીના મંદિરે બોલાવવામાં આવ્યા.

બન્ને પક્ષના લોકો મંદિરે પહોંચ્યા બાદ જમાઈને પોતાના સસરા પક્ષ પર વહેમ હતો કે તમે મારી પત્નીને તમે ભગાડી મૂકી છે અથવા વેચી દીધી છે એવું કહેવાયા બાદ જો આમ ના કર્યું હોય તો પહેલાથી તૈયાર રાખવામાં આવેલા તેલના ગરમ કડેયામાં હાથ નાખવાનું કહેવામાં આવ્યું હતું તેમ કરવામાં ના આવતા ધોકા લાકડી સહિતના હથિયારો સાથે ધાકધમકી કરીને જબરજસ્તીથી સસરા પક્ષના છ લોકોના હાથ ગરમ તેલમાં નખાવ્યા હતા. આ ઘટનાને પગલે તમામ છ લોકોના હાથ બળી જતા રાપર સરકારી દવાખાને આજે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.