કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર વેક્સીન લેવા માટે જનતાને અવારનવાર અપીલ કરી રહી છે.વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં વેક્સીનેશન જ એક રામબાણ ઈલાજ છે ત્યારે હજુ પણ ગામડા વિસ્તારોમાં વેક્સીન લેવા લોકો ડરી રહ્યા છે તેમજ વેક્સીન ન લેવા માટે વિવિધ બહાના બતાવી રહ્યા છે.
રાજકોટના 11 તાલુકાઓ માંથી લોધિકા એક માત્ર એવો તાલુકો બન્યો છે જેના તમામ ગામોમાં 80% થી વધુ વેક્સીનેશન થઇ ચૂક્યું છે. કુલ 41 ગામો માંથી 38 ગામોમાં 2 ગામોમાં 100% સાથે કુલ 90% વેક્સીનેશન થઈ ચૂક્યું છે.લોધિકા તાલુકો અન્ય ગામોમાં વેક્સીનેશન માટે એક આદર્શ ઉદાહરણ ધરાવતો પ્રથમ તાલુકો બન્યો છે.
ગ્રામ્ય પ્રાંત અધિકારીએ વિરેન દેસાઈનું માઈક્રો પ્લાનિંગ
રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિરેન દેસાઈએ પહેલેથી જ માઈક્રો પ્લાનિંગ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીનેશન શરૂ કરાવ્યું હતું.અબતક મીડિયા સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકો વેક્સીન લઈ રહ્યા છે તેના પર ધ્યાન આપી તેમના પરિવારજનોને પણ ટીમ થકી વેક્સીન અપાવી. બાદ માં જે લોકો વેક્સીન લેવાની ના પાડી રહ્યા હતા તેઓને મામલતદાર તેમજ ટીડીઓ મારફત ગામના અગ્રણીઓ, ધર્મીઓ સંસ્થાના આગેવાનોને સાથે રાખી લોકોને સમજાવી વેક્સીનેશન કરાવ્યું છે.
માઈક્રો પ્લાનિંગ ને કારણે કુલ 90% થી વધુ લોકોએ વેક્સીન લીધી છે અને માત્ર થોડાજ દિવસોમાં 100% વેક્સીનેશન વાળો પ્રથમ તાલુકો પણ થઈ જશે.પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વધુ ને વધુ વેક્સીનેશન થાય તે માટે જીલ્લા પંચાયતની બેઠક મુજબ અમે ગામોની વહેંચણી ટીડીઓ અને મામલતદાર ને કરી હતી જેમાં એક બેઠકની જવાબદારી ટીડીઓ તેમજ એક બેઠકની જવાબદારી મામલતદારને સોંપી હતી.જે લોકોએ વેક્સીન નથી મુકાવી તેને શોધી વેકસીનેશન કરાવવું એ મુખ્ય ટાર્ગેટ રખાયો છે. હાલ લોધિકામાં સૌથી વધુ વેક્સીનેશન થયું છે અને લોકોને અનુરોધ છે કે વેક્સીન અવશ્ય મુકાવે.
સરપંચ, સમાજના આગેવાનોએ પ્રથમ રસી લઈ ગ્રામજનોને રસી લેવડાવી, આરોગ્ય કર્મીઓની કબીલેદાદ કામગીરી
લોધિકા તાલુકાના પારડી, ઢોલરા સહિતના ગામોમાં સરપંચ, સમાજના આગેવાનોએ પ્રથમ રસી લઈ એક એક ઘરમાં રસી લેવા માટે લોકોને સમજાવ્યા હતા.અનેક અંધશ્રદ્ધા દૂર કરાવી લોકોને રસી અપાવી.રસીકરણ ને એક તહેવારની જેમ લોકોએ ઉજવ્યો જેથી 90% વેક્સીનેશન થયું છે.તમામ ગામોમાં આરોગ્ય કર્મીઓ , ડોક્ટર્સએ ખુબજ મહેનત કરી ને વોરીયર્સની ભૂમિકા ભજવી રસીકરણ કરાવ્યું છે અને હજુ પણ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ વ્યક્તિઓને રસી લેવડાવી રહ્યા છે.
ગેરમાન્યતા થઈ દૂર: રસી લઈશું તો 4 વર્ષમાં મરી જઈશું, નારિયેળ બાંધશું તો કોરોના નહીં થાય, રસીથી નપુંસકતા આવે
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ વિષે અનેક ગેર માન્યતાઓ લોકોમાં પ્રસરી હતી.રસીકરણ ની શરૂઆતમાં ગેરમાન્યતાઓને કારણે લોકો કહેતા રસી લઈશું તો 4 વર્ષમાં મરી જઈશું, નારિયેળ બાંધશું તો કોરોના નહીં થાય, રસીથી નપુંસકતા આવે છે. વિવિધ અંધશ્રદ્ધા અને ગેર માન્યતાઓ દૂર કરીને હાલમાં લોકો ઉત્સાહભેર રસી લઈ રહ્યા છે તેમજ અન્યોને પણ રસી લેવા પ્રેરણા આપી રહ્યા છે.
સૌથી મોટો પડકાર હતો અંધશ્રદ્ધા: કે.કે. રાણાવસ્યા (મામલતદાર, લોધિકા)
લોધિકાના મામલતદાર કે.કે.રાણાવસ્યાએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય ટાર્ગેટ અંધશ્રદ્ધા દૂર કરી લોકોને વેક્સીન અપાવવાનો હતો. ગ્રાઉન્ડ લેવલે પ્લાનીંગ કરી 2 કિલોમીટર સુધી ચાલીને પણ અમારી ટીમે લોકોને વેક્સીન લેવા માટે મનાવ્યાં છે. અત્યારે 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓનું પણ પુરજોશમાં વેક્સીનેશન થઈ રહ્યું છે.વેક્સીન લેવી ખુબજ જરૂરી છે ત્યારે તમામ લોકોને વેક્સીનેશન કરાવી 100% વેક્સીનેશન કરાવીશું.