ગુજરાતી ફિલ્મોના એક જમણા ના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો, આપ ને ખબર જ છે કે તેઓ સફળ એક્ટર છે પરંતુ કુશળ સંગીતકાર પણ છે, તેના વિષે ઓછા લોકોને ખબર હશે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ “વેલીને આવ્યા ફૂલ”થી એક્ટર તરીકેની શરૂઆત કરી હતી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ કર્યો હતો.

નરેશ કનોડિયાનો જન્મ ગરીબ મિલ કામદારના પરિવારમાં થયો, તેમણે સિંગર અને ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી અને આ સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાયા હતા. તેઓ એટલા સફળ થયા કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેઓ મહેશ-નરેશની જોડી તરીકે ઓળખવા લાગ્યા. વર્ષ 1980ના દાયકામાં મહેશ-નરેશની આ જોડીએ આફ્રિકા, અમેરિકા સહિત એશિયાના વિવિધ દેશોમાં સ્ટેજ શો પરફોર્મ કર્યા હતા. નરેશ કનોડિયા અત્યાર સુધી 300 કરતા વધારે ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. નરેશ કનોડિયાની સફળ ફિલ્મોમાં જોગ-સંજોગ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજ રાજવણ, કડલાની જોડ, તમે રે ચંપો ને અમે કેળ, મા-બાપને ભૂલશો નહી વગેરેનો સમાવેશ થાય છે.

નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 40 કરતા વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરુ પાડ્યું . નરેશ કનોડિયાએ તે સમયની ટોચની અભિનેત્રી સ્નેહલતા, રોમા માણેક અને સ્નેહલતા સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય 1980 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી. ફિલ્મો સિવાય રાજનીતિ ક્ષેત્રે પણ સફળ રહેલા નરેશ કનોડિયા વર્ષ 2002થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા બેઠકના સભ્ય રહી ચૂક્યા છે. નરેશ કનોડિયાનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોનો એક્ટર છે. જ્યારે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ ગુજરાતી સિનેમાનો સફળ ચહેરો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.