સામાજીક ન્યાય સમિતિના ચેરમેનપદે ભાનુબેન બાબરિયા, શિક્ષણ સમિતિના ચેરમેનપદે અલ્પાબેન તોગડીયા, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેનપદે લીલાબેન ઠુમ્મર, અપિલ સમિતિના ચેરમેનપદે પ્રવિણાબેન રંગાણી, બાંધકામ સમિતિના ચેરમેનપદે દક્ષાબેન રાદડીયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પદે કંચનબેન બગડા જ્યારે ઉત્પાદન સહકાર સમિતિના ચેરમેનપદે ભાવનાબેન બામરોલીયાની નિયુક્તી

રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે જાણે સ્ત્રી સશક્તિકરણનો સૂર્યોદય થયો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રવિણાબેન રંગાણી જવાબદારી નિભાવી રહ્યા છે. કારોબારી સમિતિ સિવાયની તમામ સમિતિમાં ચેરમેન પદે મહિલાઓની નિયુક્તી કરવામાં આવી છે. આ નિર્ણય ખરેખર ખૂબ જ ઐતિહાસિક ગણાવી શકાય.

આજે સવારે જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવા માટે અધ્યક્ષા પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને ખાસ સભા મળી હતી. જેમાં સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ભાનુબેન ભીખાભાઇ બાબરિયાની વરણી કરવામાં આવી હતી. જ્યારે સમિતિના સભ્ય તરીકે મોહનભાઇ દાફડા, કંચનબેન બગડા અને અમૃતભાઇ મકવાણાની નિયુક્તી કરવામાં આવી છે. શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અલ્પાબેન તોગડીયાની નિયુક્તી કરવામાં આવી હતી. સભ્ય તરીકે અમૃતભાઇ મકવાણા, વિરલ પનારા, જેન્તીભાઇ બરોચીયા, ગીતાબેન ટીલાળા, કંચનબેન બગડા અને શૈલેષભાઇ ડોબરીયાની નિયુક્તી કરવામાં આવી છે. જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે લીલાબેન ઠુમ્મર, સભ્ય તરીકે જ્યોત્સનાબેન પાનસુરીયા, સુમિતાબેન ચાવડા અને ભૂપતભાઇ સોલંકીની વરણી કરવામાં આવી છે. અપિલ સમિતિના ચેરમેન તરીકે પ્રવિણાબેન રંગાણી રહેશે. જ્યારે સભ્ય તરીકે રાજેશભાઇ ડાંગર, પ્રવિણભાઇ કયાડા, સવિતાબેન ગોહેલ અને જેન્તીભાઇ બરોચીયાની નિયુક્તી કરવામાં આવી છે.

જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે દક્ષાબેન રાદડીયા ઉપરાંત સભ્ય તરીકે સુમિતાબેન ચાવડા, સહદેવસિંહ જાડેજા, સુમાબેન લુણાગરીયા અને અમૃતભાઇ મકવાણાની નિયુક્તી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે કંચનબેન બગડા જ્યારે સભ્ય તરીકે ગીતાબેન ચૌહાણ, અશ્ર્વિનાબેન ડોબરીયા, સવિતાબેન વાસાણી અને દક્ષાબેન રાદડીયાની નિયુક્તી કરવામાં આવી છે. ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન પદે ભાવનાબેન સુભાષભાઇ બામરોલીયા જ્યારે સભ્ય તરીકે જેન્તીભાઇ બરોચીયા, મોહનભાઇ દાફડા, શૈલેષભાઇ ડોબરીયા અને ભૂપતભાઇ સોલંકીની નિયુક્તી કરવામાં આવી છે. સામાન્ય રીતે એક કે બે સમિતિમાં મહિલાને ચેરમેન પદ અપાતું હોય છે. તાજેતરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત અપાયા બાદ જાણે મહિલા સશક્તિકરણનો સૂર્યોદય થયો હોય તેમ જિલ્લા પંચાયતમાં કારોબારી સિવાયની તમામ સમિતિના ચેરમેન તરીકે મહિલાની નિયુક્તી કરવામાં આવી છે.

કોંગ્રેસના મેન્ડેટનો અનાદર બદલ 2 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે: અર્જૂન ખાટરિયા

જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુનભાઈ ખાટરિયા જણાવ્યું કે આજ રોજ મળેલી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં 8 સમતીઓનાં ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી. જે સમિતીમાં કોંગ્રેસના 2 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.ભાજપ દ્વારા નિયુક્ત સમિતીમાં ભડલી સીટના ગીતાબેન ચૌહાણની મહીલા અને બાળ વિકાસ સમીતીના સભ્ય અને  ડુમયાણી સીટના ગીતાબેન ચાવડાની કારોબારી સમિતીના સભ્યમાં વરણી કરી છે જે કોંગ્રેસ પક્ષના મેન્ડેડનો અનાદર કર્યો છે. માટે પક્ષ માંથી આ બને સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.