જીવનની પ્રકૃતિની સૌથી રોચક ઘટના સૂર્યોદય અને સૂર્યાસ્ત છે : મારી-તમારી કે સૌની સવાર અલગ જ હોય છે : પ્રથમ કિરણનું તેજ જ જીવનને રંગમય બનાવે
માનવીના જીવન સાથે સવાર-સાંજ કે સૂર્યોદય-સૂર્યાસ્ત જોડાયેલાં છે. વહેલી સવારનો વૈભવ જીવનને એક નવી તાજગી આપે છે તો સૂર્યાસ્ત દિવસનો અંત બતાવે છે. તડકો-છાયો કે સુખ-દુ:ખ પણ આજ સવાર-સાંજની ઘટના સાથે સરખાવાય છે. સૂર્યોદયનું પ્રથમ કિરણ એક નવી આશા સાથે જીવનના એક નવા દિવસની શરૂઆત લાવે છે. આપણી દિનચર્યા પણ સવારથી જ શરૂ થઇ જાય છે. આજની ભાગદોડવાળી જીંદગીમાં દરેક માનવી સવાર થી સાંજ પોતાના પરિવાર માટે સખત મહેનત કરે છે.
સૂર્યોદયે કુદરતની તમામ લીલાઓ સાથે એક નવા ઉલ્લાસ સાથે ખીલી ઉઠે છે. સૂર્યનું તેજ આપણને એક નવા ઉત્સાહ સાથે તેજોમય બનાવે છે તો પંખીઓનો મીઠો કલરવ કુદરતના અફાટ સૌર્દ્ય સાથે પૃથ્વીની ચોમેર દિશાએ ખીલી ઉઠે છે. સૂર્યાસ્તનો વૈભવ પણ નિરાળો છે. સાંજની ઢળતી સંધ્યા સાથે પ્રકાશ ઉપર અંધકાર થવા લાગે છે. ગોધુલિક સમય ખૂબ જ સુંદર હોય છે.
પ્રાત:કાળે મંદિરોમાં સૂર્યોદયે અને સાંજે સૂર્યાસ્તે સંધ્યા આરતીના સુંદર ઝણકારે સૃષ્ટિ સોળે કલાએ ખીલી ઉઠે છે. જીવનની પ્રકૃતિની સૌથી રોચક ઘટના સૂર્યોદય અને સૂર્યાસ્ત છે. સૂર્ય ઉગવાની કે સૂર્યોદય થવાની ઘટના પૂરી સૃષ્ટિ કે પૃથ્વી માટે એક સમાન છે, હા તેનો સમયગાળો દરેક દેશમાં અલગ-અલગ હોય છે. સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી આતો પૃથ્વી તેને આડે આવતાએ ભાગમાં રાત્રિ થાય છે. ખુલ્લા મેદાનમાં દૂર ક્ષિતિજની પેલેપારની ઘટના દ્રશ્યો જોવાની તાલાવેલી સૌ કોઇને હોય છે. ચાલવુએ જીવન છે તો સૃષ્ટિનો ક્રમ પણ સતત ચાલતો જ રહે છે.
પ્રથમ કિરણનું તેજ જ જીવનને રંગમય બનાવે છે. વહેલા ઉઠેને વહેલા સૂઇ જાય તેની તંદુરસ્તી સારી રહે એ આપણને પક્ષી શીખવે છે. આજના યુગમાં મોડા ઉઠનારનો વર્ગ બહું મોટો છે જેને આપણે કટાક્ષમાં ‘સૂર્યવંશી’ કહીએ છીએ. નોકરી-વ્યવસાય કે બીજા, અન્ય કામોથી આપણું જીવન સમય સાથે બંધાઇ ગયું છે. પૈસા કમાવવાની દોડમાં આજનો માનવી દિવસ-રાત જોયા વગર સતત મહેનત કરીને જીવનનાં તાણા-વાણા ભેગા કરે છે.
સવારનો વૈભવ જોવો હોય તો બહાર નીકળીને કુદરત પાસે જવું પડે છે. પાણી-વૃક્ષો, પક્ષીઓ જ્યાં એક સ્થળે ભેગા થાય તે સ્થળે જ માનવીને હાશકારો કે શાંતિ મળે છે. સૂર્યનું ઉદય થવું અને આથમવુંએ આપણા જીવનની ઘટમાળ સાથે વણાયેલું છે. સવારની ઘટના તો ચોક્કસ સમયે નિયમિત વણથંભી ચાલી જ આવે છે પણ માનવ જીવન માટે એ સવાર અલગ-અલગ હોય શકે છે.
ત્રણ દિવસનાં ભૂખ્યા ભિખારી સવારમાં આજે કશુંક ખાવા મળે એવી આશા હોય તો ઓપરેશન કરાવવા જતાં દર્દીની સવાર મને સારૂ તો થઇ જશેને એવી આશા હોય છે. પરીક્ષા આપવા જતો બાળક અને કોઇક ઘરમાં મૃત્યુ પામ્યું હોય તેની સવાર અલગ-અલગ જ હોય છે. વહેલી સવાર આનંદ, ખુશી, દુ:ખ, આશા, ઉત્સાહ, ભય જેવા તમામ માહોલ જીવનમાં લાવે છે.
“જીવન ચલને કા નામ….ચલતે રહો સુબહો શામ”
પૈસા આપવાના સવારે હોયને વ્યવસ્થા ન થઇ હોય ત્યારે અંજપાભરી રાતની સવાર ન પડે તેવું ઇચ્છતો માનવી ભય સાથે માનસિક સંતુલન ગુમાવે છે, એટલે જ કદાચ આપઘાત કે મૃત્યુ વહેલી સવારે વધુ થતાં જોવા મળે છે. જીવનની કે સંસારની યાત્રા સાથે સવાર-સાંજ વણાયેલા છે. આજે તો વહેલી સવારે ચાલવાનો જબ્બર ક્રેઝ જોવા મળે છે.
એક જ સવાર બધા માનવી માટે અલગ-અલગ વાતો કે પ્રસંગ કે ઘટના લઇને આવે છે, જો કે આપણી લાઇફ સ્ટાઇલ મુજબ સવાર-સવારમાં આપણે કોઇને હેરાન કરતા નથી ને 11 વાગ્યા પછી જ ફોન કરીએ છીએ. સવારની મજા જ નિરાળી હોય છે પણ મોટા ભાગના લોકો આ અવસર માણવાનું ચૂકી જાય છે. આપણાં જીવનમાં આપણને આનંદ કુદરતના ખોળે રમતી વખતે જ આવે છે.
સિમેન્ટના જંગલોથી કંટાળીને માનવી વીકએન્ડમાં આવાજ કોઇ સ્થળે જઇને પરિવાર સાથે આનંદ માણે છે.વહેલી સવારે ખુલ્લા વાતાવરણમાં પૂરતા ઓક્સિજન વખતે ચાલવાથી તન-મન પ્રફૂલ્લિત થાય છે અને શરીરને તાજગી અને તંદુરસ્તી બક્ષે છે પણ આજે તો ડોક્ટર કહે ત્યારે આપણે બીકના માર્યા પરાણે વોકીંગમાં જઇએ છીએ. આજના યુગમાં જો તમે સવાર-સાંજ ચાલશો નહી તો ક્યાં ચાલશો નહી.
માંદગીને ખૂલ્લુ જ આમંત્રણ ન ચાલવાથી તમો આપો છો. આજનો યુવાન વહેલી સવારે આઉટ ડોર ગેમ રમીને સવારની તાજગી લઇ રહ્યો છે જે સારી બાબત છે. સાંજના સમયે તો પાર્કમાં સિનિયરો જ પોત્રને રમાડતા આજે જોવા મળે છે. સવાર-સાંજનો વૈભવ માણશો તો જ જીવન વૈભવશાળી અર્થાત તંદુરસ્ત રહેશે.
ઇશ્ર્વરે આપણાં આનંદ માટે પ્રકૃતિના સૌર્દ્યનો વૈભવ સૃષ્ટિમાં પાથરી દઇને મોટો અહેસાન કર્યો છે પણ માનવી તેનો આનંદ લેતો નથી. નદી, પર્વત, વૃક્ષો, દરિયો વિવિધ ઋતુઓ પશુ-પક્ષીઓ સાથે માનવી તેના નીજાનંદમાં જીવે તો તેને ટ્રેસ ક્યારેય આવી ન શકે. ગરીબ કે શ્રીમંત દર્દી કે જન્મતું બાળક બધા માટે સવારનો વૈભવ નિયમિત ખૂલ્લો જ હોય છે. આપણામાંથી આ સુખ કેટલા માણી શકે છે તે મોટો પ્રશ્ર્ન છે. શિયાળો, ઉનાળો, ચોમાસું આપણાં વરસની ત્રણ ઋતુ છે પણ બધાની સવાર એક જ હોય છે. હા, વાતાવરપણમાં ફરક હોય ઠંડો, ગરમી કે વરસાદ આ ઋતુચક્રોના ફેરફાર છે, તડકા-છાંયાનો બદલાવ છે. વર્ષો પહેલા લખાયેલા કવિ કલાપીનો ‘ગ્રામ્યમાતા’ કાવ્યમાં પ્રકૃતિના વર્ણન સાથે શિયાળાની સવારની સુંદર વાત કરી છે.
સવાર-સાંજની સાથે ગ્રીષ્મનો મધ્યાનનો પણ મહિમા છે. ઉનાળાની બપોરનો તાપ જેમ તપે તેમ બાષ્પીભવનની પ્રક્રિયા વધેને ચોમાસે વાદળો બંધાય છે, તેથી બપોરનું પણ મહત્વ છે. સુરજનો વૈભવ જ સોહામણો હોય છે. દરેક માનવીની દિનચર્યા ઉગતા સુરજે શરૂ થઇને આથમતા સૂર્યએ સમાપ્ત થતી હોય છે. સવાર-સાંજની વચ્ચેનો સમય જ આપણું જીવન છે. રાત્રિ આરામ માટે છે. સવાર, બપોર, સાંજ કે રાત એ રોજ થતી ઘટના છે પણ દરેક માનવી માટે એ અલગ-અલગ ઘટના નિરૂપણ કરે છે, અલગ પ્રસંગો નિર્માણ કરે છે.
સૂર્યના પ્રથમ કિરણનો અહેસાસ પૃથ્વી પરના નાના જીવજંતુથી મોટા સુધી પૃથ્વી પર વસતા હર કોઇ માણે છે. આપણા કવિઓ, સાહિત્યકારો ફિલ્મો વિગેરે વહેલી સવારને ઘણું જ મહત્વ આપ્યું છે. આદિકાળથી ચાલતી આવતી આ ઘટનામાં ઋષિમૂનિઓ તો પોતાના કુટીર છોડીને વહેલી સવારે નદીકાંઠે તપ જપમાં બેસીને ધ્યાન ધરતાં હતા. પૂનમના ચંદ્રને જોવો તો મન આનંદિત થઇ જાય છે. આકાશનો વૈભવ સૂરજ-ચાંદને ટમટમતા તારલાઓ છે. નિરવ શાંતિનો અહેસાસ મધ્યરાત્રિએ જોવા મળે છે તેમ એક નવા જોમ-જુસ્સોને તરવરાટ વહેલી સવારે જોવા મળે છે.
એક નવી આશા, એક નવો ઉમંગ એટલે સવાર
સૃષ્ટિની લયબધ્ધતા સાથે અફાટ કુદરતી સૌર્દ્ય વચ્ચે જીવન જીવતો માનવી જ સાચો આનંદ લઇ શકે કે માણી શકે છે. દરેક સવાર સૌ માટે એક નવી આશા, એક નવો ઉમંગ લઇને આવશે. વહેલી સવારે ચાલવાથી આપણાં શરીરને પૂરતો ઓક્સિજન મળે છે, તેથી તેના ઘણા ફાયદા આપણી તંદુરસ્તી સાથે જોડાયેલા છે. ચાલવાથી શ્રમ પડે અને તેથી પરસેવા ખૂબ નીકળે છે જેને કારણે શરીરનો નક્કામો કચરો આ પરસેવારૂપે બહાર નીકળી જાય છે. સવારે સ્વચ્છ અને શુધ્ધ હવા મળતી હોવાથી શરીરના તમામ અવયવો પણ ક્રિયાશીલ થઇ જાય છે. વહેલી સવારનું વાતાવરણ જ મનને આનંદ આપીને શરીરને હળવું ફૂલ બનાવે છે.
સતત ચાલનાર માણસ જ રોગમુક્ત રહી શકે છે. ચાલવાની ઇચ્છાને જ ઔષધ ગણવામાં આવ્યું છે. વહેલા ઉઠી જાય તેનામાં બળ-બુધ્ધિનો વધારો થાય છે. સવારની સાથે સાંજનું પણ એટલું જ મહત્વ છે તે ભૂલવું ન જોઇએ. સૂર્યાસ્તને જોવો તે એક લ્હાવો છે. આજે સનસેટ પોઇન્ટ પર જવાનો એક ક્રેઝ છે. કુદરતના ખોળેથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો અનેરો લ્હાવો છે. કુદરતની જેટલા નજીક રહો તેટલા વધુ તંદુરસ્ત રહી શકો છો.