અમરેલી ૪૩ ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૨.૭ ડિગ્રી અને રાજકોટ ૪૨ ડિગ્રી સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયા: કાળઝાળ તડકાથી જનજીવન ત્રાહિમામ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્રનું અમરેલી ૪૩ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો ૪૨.૭ ડિગ્રી તો રાજકોટનું ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ ૪૮ કલાક રાજયમાં હીટવેવનો પ્રકોપ જારી રહે તેવી સંભાવના જણાઈ રહી છે.
ઉનાળાના આરંભે જ રાજયમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. એપ્રીલ અને મે માસમાં જેવા તડકા હાલ માર્ચ માસના અંતિમ દિવસોમાં પડી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી રાજયમાં હીટવેવનો પ્રકોપ છે જે આગામી ૪૮ કલાક સુધી યથાવત રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. શુક્રવારે રાજયમાં અંગ દઝાડતી ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. સૌરાષ્ટ્રનું અમરેલી ૪૩ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું.
સુરેન્દ્રનગરમાં ૪૨.૭ ડિગ્રી, રાજકોટમાં ૪૨ ડિગ્રી, ભુજમાં ૪૨.૨ ડિગ્રી, જામનગરમાં ૩૮ ડિગ્રી અને ભાવનગરમાં ૩૯.૨ ડિગ્રી સેલ્શીયસ તાપમાન રહેવા પામ્યું હતું. આગામી ૪૮ કલાક સુધી હજી રાજયમાં સિવિયર હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમુક શહેરોમાં તાપમાનનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી વચ્ચે નોંધાઈ તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.
હીટવેવમાં સનસ્ટ્રોકથી બચવા લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળવા અને શકય તેટલું વધુ પાણી પીવા વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ખાસ તકેદારી રાખવા પણ તાકીદ કરાઈ છે.