દિલ્હી ચેન્નઈ સામે એલીમીનેટર-૨ મેચમાં ટકરાશે
આઈપીએલ ૨૦૧૯ની એલીમીનેટર મેચમાં દિલ્હી કેપીટલના સુકાનીએ ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હી અને હૈદરાબાદ એમ બન્ને ટીમોએ પોતાની ટીમોમાં એક-એક ફેરફાર કર્યા હતા. પ્રથમ બેટીંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવી ૧૬૨ રન કર્યા હતા. હૈદરાબાદ માટે માર્ટીન ગપટીલ, મનીષ પાંડે અને કેન વિલ્યમશને ટીમને સારી શરૂઆત આપી હતી.
પીચ પર બોલીંગ ટીમને ધીમો ટર્ન મળતો હતો. જેના જવાબમાં અમીત મિશ્રાએ તેનો લાભ ઉઠાવતા ચાર ઓવરમાં માત્ર ૧૬ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. કીમો પોલે ધીમી વિકેટ પર ડેથ ઓવર્સમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જયારે ઈશાંત શર્મા ૨ અને ટવેન્ટ બોલ્ટે ૧ વિકેટ લીધી હતી. વિજય શંકર અને મોહમદ નાબીની આક્રમક ઈનીંગના કારણે છેલ્લી ચાર ઓવરમાં ૪૭ રન થયા હતા. જેમાં વિજય શંકર ૧૧ બોલમાં ૨૫ અને મોહમદ નાબી ૧૩ બોલમાં ૨૦ રન કર્યા હતા.
દિલ્હી કેપીટલ્સને મેચ જીતવા ૧૬૩ રન કરવાના હતા. ત્યારે દિલ્હી માટે પૃથ્વી શોએ અર્ધ સદી ફટકારી દિલ્હીને શાનદાર શ‚આત અપાવી હતી. તેણે ૩૮ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૫૮ રન કર્યા હતા. જયારે રિષભ પંતે પાંચ છગ્ગા અને ૨ ચોગ્ગા મદદથી ૪૯ રન કર્યા હતા. દિલ્હીના અન્ય કોઈ બેટ્સમેન ૨૦ રનનો સ્કોર વટાવી શકયું ન હતું. ત્યારે હૈદરાબાદ માટે રસીદ ખાને ૪ ઓવરમાં એક મેડન સહિત ૧૫ રન આપી ૨ વિકેટો ઝડપી હતી. જયારે ખલીલ અહેમદ અને ભુવનેશ્ર્વરકુમારે પણ ૨-૨ વિકેટ લીધી હતી.
મેચમાં એક સમયે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું કે, કદાચ દિલ્હી કેપીટલ્સ એલીમીનેટર મેચ હારી જાય કારણ કે, રસીદ ખાને પોતાની ૧૫મી ઓવર મેડન નાખતા અને ૨ વિકેટ ઝડપતા એક સમયે સનરાઈઝર્સ હૈદરાબાદ મેચ જીતી જશે તેવું લાગતું હતુ પરંતુ બસીલ થંપીની એક જ ઓવરમાં રિષભ પંતે ૨૨ રન ફટકારી મેચ દિલ્હી કેપીટલની જોલીમાં નાખી દીધો હતો. હવે દિલ્હી કેપીટલ્સ પોતાના બીજા એલીમીનેટર મેચમાં ચેન્નઈ સામે મુકાબલો કરશે. તેમાંથી જીતનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે ફાઈનલમાં ટકરાશે.