આજીડેમમાં નર્મદા નીરના વધામણા લોકોત્સવ અંતર્ગત મહાનગરપાલિકાનો કાર્યક્રમ અત્યાધુનિક જર્મન ડોમમાં શ્રોતાગણ માટે ૭૫ હજારથીવધુ ખુરશીની બેઠક વ્યવસ્થા
સૌની યોજના’ હેઠળ નર્મદા મૈયાના નીરથી બારેમાસ અને વર્ષોવર્ષ પાણીથી છલકાવા જઈ રહ્યો છે ત્યારે આજી ડેમમાં નર્મદા નીરના વધામણા કરવા માટે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તા.૨૯ના રોજ રાજકોટ આવનાર છે. રાજકોટના પાણી પ્રશ્ર્નના કાયમના નિવારણ માટે નર્મદા નીરથી આજીડેમ છલકાવવાની આ યોજનાને શહેરીજનો દ્વારા લોકોત્સવ તરીકે ઉજવવામાં આવી રહેલ છે.
આ લોકોત્સવ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૭ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે આજીડેમ ખાતે બોલીવુડના ખ્યાતનામ સિંગર, મ્યુઝીક ડાયરેકટર અને યુવા હૈયાના હૃદય સમ્રાટ ‘અંકિત તિવારી’ની મ્યુઝીકલ નાઈટનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર દ્વારા તડામાર પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અતિ આધુનિક જર્મન ડોમાં શ્રોતાગણને બેસવા માટે ૭૫ હજારથી વધુ ખુરશીની વ્યવસ્થા કરાઈ છે.
‘તેરી ગલીયા’ ફેઈમ અંકિત તિવારી રાજકોટમાં ધુમ મચાવશે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે ‘અબતક’ને જણાવ્યું છે કે, બોલીવુડના ખ્યાતનામ સિંગર અને યુવા હૈયાના હૃદય સમ્રાટ ‘અંકિત તિવારી’ અને સાથી કલાકારો દ્વારા આજી ડેમ ખાતે યોજાનાર આ મ્યુઝીકલ નાઈટમાં બોલીવુડના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશે તથા આ કલાકારો આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે.
‘સુન રહા હૈ’, ‘તું હે કે નહીં’, ‘સનમ તેરી કસમ’, ‘તેરી ગલીયા’, ‘દિલ ચીજ તુજે દે દી’, ‘ઈશ્ક દી લત’, ‘માના તુમ્હી કો ખુદા’, ‘અલ્ફાજો કી તરાહ’, ‘કતરા કતરા’ સહિતના યુવાધનને ડોલાવનાર અનેક ગીતો ગાનાર આ કાર્યક્રમમાં બોલીવુડના ખ્યાતનામ સિંગર, મ્યુઝીક ડાયરેકટર અને યુવા હૈયાના હૃદય સમ્રાટ ‘અંકિત તિવારી’ તથા સાથી કલાકારો પોતાના ગીત સંગીતથી રાજકોટની જનતાને મનોરંજન પીરસશે. આ સમગ્ર આયોજનમાં જેબીએલની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને અદ્યતન એલઈડી સ્ક્રીનો લગાવવામાં આવશે. સમગ્ર રાજકોટના શહેરીજનોને અને યુવાધનને સહપરિવાર માણવાલાયક આ કાર્યક્રમમાં પધારવા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર એક સંયુકત યાદીમાં જણાવી નિમંત્રણ પાઠવેલું છે.