ચોટલી: આગામી બે મેચમાં વિરાટની વધુ એક સદી?
કોહલી એક સદી ફટકારતાની સાથે જ સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી લેશે
વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. હવે ભારત સહિત દુનિયાભરના ક્રિકેટ ફેન્સ વિરાટ કોહલીની સદીની હાફ સેન્ચ્યુરી જોવા માંગે છે. કિંગ કોહલી વન-ડે ઇન્ટરનેશનલમાં આ મોટી ઉપલબ્ધિને હાંસલ કરવામાં માત્ર 2 સદી જ દૂર છે. કોહલી એક સદી ફટકારતાની સાથે જ સચિન તેંડુલકરની 49 સદીની બરાબરી કરી લેશે. આ વર્લ્ડ કપમાં જ કોહલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ પોતાની 48મી વન-ડે સદી ફટકારી હતી. તેના પછી બીજી મેચમાં તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 95 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનો આશાવાદ છે કે આગામી 5મીના દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કોહલી પોતાની 50મી સદી ફટકારશે.
ભારતીય ટીમને આગામી મેચ 29 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને પછી 2 નવેમ્બરના રોજ શ્રીલંકા વિરૂદ્ધ મેચ રમવાની છે. સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, આ દિવસોમાંથી કોઇ એક દિવસે કોહલી 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લેશે. તેના પછી વિરાટ કોહલીના બેટથી 50મી સદી તેના જ જન્મદિવસ પર 5 નવેમ્બરના રોજ નીકળશે. તમને જણાવી દઇએ કે, 5 નવેમ્બરે ભારત દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પોતાનો વર્લ્ડ કપ 2023નો મુકાબલો ઇડન ગાર્ડનમાં રમશે.
વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારત માટે પહેલા 5 મેચોમાં તેના બેટથી 4 મેચોમાં 50 પ્લસનો સ્કોર આવ્યો છે. જેમાં એક સદી પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે, કોહલીના ક્રિકેટ કરિયનો આ છેલ્લો વર્લ્ડ કપ હોઇ શકે છે. માટે તેને ઇચ્છશે કે વધુ એક વખત ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બને. વર્લ્ડ કપ 2023ની પાંચ મેચોની 5 ઇનિંગમાં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 118ની સરેરાશ અને 90.54ના સ્ટ્રાઇક રેટથી કુલ 354 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 29 ચોગ્ગા અને 6 સિક્સ પણ આવી છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સર્વાધિક રનના મામલે તે ક્વિંટન ડિકોક બાદ બીજા ક્રમે છે.