સંભવત: ડિસેમ્બર 2024માં ઈસરો લોન્ચ કરશે શુક્ર મિશન
સુરજદાદા અને ચાંદામામાં સુધી પહોંચ્યા બાદ હવે ઈસરો શુક્ર પર પહોંચવા સજ્જ થઇ રહ્યું છે. ચંદ્રયાન-3 અને આદિત્ય-એ1 મિશન પછી ઈસરો શુક્રયાન મિશન એટલે કે શુક્રયાન માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. શુક્ર મિશન આવતા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. શુક્ર મિશન પહેલા, સ્પેસ એજન્સી આ વર્ષે ડિસેમ્બરમાં જ એક્સપીઓસેટ અથવા એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેનો હેતુ એક્સ-રે પલ્સરનો અભ્યાસ કરવાનો છે. ઈસરોના વડા એસ સોમનાથે તાજેતરમાં કહ્યું હતું કે સૌરમંડળના સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર માટેનું મિશન તૈયાર થઈ ગયું છે. તેના પેલોડ્સ મિશન માટે વિકસાવવામાં આવ્યા છે.
તેને ડિસેમ્બર 2024માં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સમયે પૃથ્વી અને શુક્ર એટલા સંરેખિત (સીધી રેખામાં) હશે કે અવકાશયાનને ઓછા પ્રોપેલન્ટનો ઉપયોગ કરીને પડોશી ગ્રહની આસપાસ ભ્રમણકક્ષામાં મૂકી શકાય છે. આવી તક 2024 બાદ સીધી આ પછી 2031માં જ મળશે.
તાજેતરમાં દિલ્હીમાં ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીને સંબોધતા ઈસરોના વડાએ કહ્યું હતું કે, શુક્ર એક ખૂબ જ રસપ્રદ ગ્રહ છે. તેનું વાતાવરણ પણ ખૂબ જ ગાઢ છે. વાતાવરણનું દબાણ પૃથ્વી કરતા 100 ગણું વધારે છે. તે એસિડથી ભરેલું છે જેના લીધે સપાટીમાં પ્રવેશ કરી શકતા નથી. અમને ખબર નથી કે તેની સપાટી સખત છે કે નહીં.
શા માટે આપણે આ બધું સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ? તેના જવાબમાં ઈસરો વડાએ જણાવ્યું છે કે, પૃથ્વી એક દિવસ શુક્ર બની શકે છે જ્યાં રહી શકાશે નહીં. કદાચ 10,000 વર્ષ પછી પૃથ્વી તેની વિશેષતાઓને બદલી નાખશે. પૃથ્વી અગાઉ માનવજીવન માટે અનુરૂપ ન હતી પણ સમયાંતરે થયેલા બદલાવોએ પૃથ્વીને માનવ જીવન માટે સાનુકૂળ બનાવ્યું હતું.
શુક્ર એ સૂર્ય પછીનો બીજો ગ્રહ છે અને પૃથ્વીનો સૌથી નજીકનો પાડોશી છે. તેને ઘણીવાર પૃથ્વીના જોડિયા કહેવામાં આવે છે કારણ કે તે કદ અને ઘનતામાં સમાન છે. અન્ય દેશો દ્વારા અગાઉ શરૂ કરાયેલા શુક્ર મિશનમાં યુરોપિયન સ્પેસ એજન્સીની વિનસ એક્સપ્રેસ (2006 થી 2016 સુધી પરિભ્રમણ કરી રહી છે), જાપાનનું અકાત્સુકી વિનસ ક્લાઈમેટ ઓર્બિટર (2016 થી ભ્રમણ કરી રહ્યું છે) અને નાસાના પાર્કર સોલર પ્રોબનો સમાવેશ થાય છે.