૧૦ જુનથી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે
રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળું અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે અને આ ચાલુ વર્ષે ૬/૫ એટલે કે સોમવારથી ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે.
સોમવારથી રાજકોટ સહિત રાજયની તમામ શાળાઓમાં ધો.૧ થી ૯ અને ૧૧માં ધોરણનાં વિદ્યાર્થીઓ માટે ૩૫ દિવસ જલ્સા કરવાના દિવસો રહેશે. લગભગ તમામ સ્કુલોમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજથી ૩૫ દિવસ સુધી ઉનાળું વેકેશનનો પ્રારંભ થનાર છે અને આગામી ૧૦ જુનથી રાબેતા મુજબ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે, રાજયની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.૬/૫ થી ઉનાળું વેકેશન શરૂ થનાર છે અને ૩૫ દિવસનું વેકેશન તા.૯ જુનનાં રોજ પૂર્ણ થઈ જશે. તેમજ ૧૦ જુનથી તમામ શાળાઓ રાબેતા મુજબ ધમધમતી થઈ જશે.
વેકેશન અંગે ગુજરાત રાજયનાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લાનાં શિક્ષણાધિકારીને પરીપત્ર પાઠવીને સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અઘ્યાપન મંદિર, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ તમામ શાળાઓને જાણ કરી દેવામાં આવી હતી. આ વખતે બાળકો ૩૫ દિવસનું વેકેશન માણી શકશે. આગામી ૧૦મી જુનથી રાબેતા મુજબ સ્કુલો ચાલુ થઈ જશે અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
ઉલ્લેખનીય છે કે, તમામ પ્રાથમિક અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું પરીણામ પણ સોમવાર સુધીમાં જાહેર કરી દેવામાં આવશે જોકે ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સનું પરીણામની હજી નકકી કરેલ તારીખ આવી નથી પરંતુ મે મહિનાનાં અંતિમ સપ્તાહમાં પરીણામ જાહેર થાય તેવી પુરેપુરી સંભાવના છે. આ ઉપરાંત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ આગામી ૯મી મેના રોજ જાહેર કરવામાં આવશે.