રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે સરકારી યુનિવર્સિટીઓના મેડિકલ-ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે આગામી વર્ષ 2024-25 માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડરની સાથે તમામ યુનિવર્સિટીઓમાં હવે ઉનાળું વકેશન 9મી મેથી 23મી જૂન સુધી આપવાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અધ્યાપકોએ વેકેશન પાછળ લઇ જવા માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી. આમ છતાં સરકાર જાહેર કરે તે પહેલા જ ગુજરાત યુનિવર્સિટીએ વેકેશન જાહેર કરી દીધું હતું. હવે સરકારે યુનિવર્સિટીની પેટર્ન પ્રમાણે વેકેશન આપવાની ફરજ પડી છે.

લોકસભાની ચૂંટણીને લઇને વેકેશનમાં ફેરફાર કરવામાં આવે તેવી રજૂઆત અધ્યાપકોએ શિક્ષણમંત્રી સમક્ષ કરી હતી. જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગ બે-ચાર દિવસમાં વેકેશન અંગે સ્પષ્ટતા કરે તેવી શક્યતા હતી. આ સ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીએ સરકારની ઉપરવટ જઇને સ્વતંત્ર રીતે વેકેશન જાહેર કરી દેતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જોકે, હવે શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક સત્ર માટે એકેડમિક કેલેન્ડર જાહેર કરીને એવી સ્પષ્ટતા કરી છે કે, તમામ યુનિવર્સિટીઓએ ફરજિયાત આ એકેડેમિક કેલેન્ડરનું પાલન કરવાનું રહેશે. નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ શૈક્ષણિક સત્ર સેમેસ્ટર-3 અને 4 ઉપરાંત પીજી સેમેસ્ટર 3 માટે આગામી 24મી જૂનથી શરૂ થશે અને 14મી ડિસેમ્બરે પૂર્ણ કરાશે.

એટલે કે, 124 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક સત્ર 26મી જૂનથી શરૂ કરવાનું રહેશે. દિવાળી વેકેશન આગામી 27મી ઓક્ટોબરથી લઇને 16મી નવેમ્બર સુધી એટલે કે 21 દિવસનું રહેશે. પ્રથમ શૈક્ષણિક સત્ર 14મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે.આ જ રીતે બીજા શૈક્ષણિક સત્રમાં આ જ કામગીરી 1લી એપ્રિલથી 27મી એપ્રિલ વચ્ચે કરવાની રહેશે.દરેક કોલેજોએ વીકલી ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, ગ્રૂપ ડિસ્કશન વગેરે પ્રથમ સત્રના અંત પહેલા અથવા યુનિવર્સિટીઓ દ્વારા નક્કી કરવામાં આવે તે પ્રમાણે 18મી નવેમ્બરથી 14મી ડિસેમ્બરની વચ્ચે પૂર્ણ કરવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.