માંડ શૈક્ષણિક સત્ર પુરૂં થયુંને વેકેશન પડ્યું ત્યાં વાલીઓ બાળકોને સમર કેમ્પમાં જોડી દે છે: બાળકોને વેકેશનમાં પણ આવા કેમ્પો શ્વાસ લેવા દેતા નથી: વેકેશન મોજ માટે હોય છે ત્યાં આવા કેમ્પો બોજ બનવા લાગે છે
નિશાળ-ટ્યુશન કે લેશનમાંથી માંડ આરામ અને હરવા-ફરવાનો મહિનો મળ્યો ત્યાં કેમ્પમાં બાળકોને એક મહિનામાં બધુ શીખડાવી દેવાની ઇચ્છામાં વાલીઓ બાળકોને વૈતરૂ કરવા મોકલી દે છે
આખુ વર્ષ ભણવા જાય છે, છતાં 100માંથી 100 ગુણ નથી આવતાં ત્યાં 15-20 દિવસમાં બાળક શું શીખી જવાનો છે: એક્ટીવીટી બેઝ લર્નીંગની પ્રવૃત્તિ આખુ વર્ષ કરીને પણ બાળક ઘણુ શીખી શકે છે: આજે બાળ કાર્યક્રમોની અછત જોવા મળે છે ત્યારે ‘બાળ વિકાસ’માં કાર્ય કરવા બાળ સંસ્થા ઉભી કરવી પડશે
‘રજા પડી ભાઇ મજા પડી’ આ બાળગીત વેકેશન પડવાના છેલ્લા દિવસે બાળકો મોટેથી ગાતા હોય ત્યારે તેના તન-મનમાં એક અનેરો આનંદ હોય છે પછી એ દિવાળી વેકેશન હોય કે સમર વેકેશન. બન્નેમાં ઉનાળું વેકેશનનું મહત્વ વિશેષ ગણાય છે. કારણે ધોરણ પુરૂ થઇ જાયને પાસ થઇ ગયા હોવાથી એક અનોખો આનંદ બાળકોમાં હોય છે. દરેક બાળકમાં કોઇકને કોઇક છૂપી કલાઓ પડેલી હોય છે. જેને શિક્ષકો અને વાલીઓ જોઇને તે બાબતે તેને પ્રોત્સાહન આપીને વિકાસ કરવાનો હોય છે પણ આજે તો વાલીઓ સવાર-બપોર-સાંજ ક્રિકેટ, વેસ્ટમાંથી બેસ્ટ, નૃત્ય-ડાન્સ, ચિત્ર-સંગીત જેવી તમામ કલામાં નિપુણ બનવા ટ્રેનીંગમાં મોકલી દે છે, પછી બાળકને રસ હોય કે ન હોય તે કોઇ જોતું નથી.
આજના યુગના સમર ટ્રેનિંગ કેમ્પો ભૂલકાઓનું વેકેશન ભૂલાવી દે છે. માંડ શૈક્ષણિક સત્ર પુરૂ થયું હોય ત્યાં વાલીઓ પોતાના સંતાનોને આવા સમર ટ્રેનીંગ ક્લાસીઝમાં મોકલી દે છે. બાળકના રસ-રૂચી-વલણોને કોઇ જોતું નથી. બાળ મનોવિજ્ઞાન દ્રષ્ટિએ જોઇએ આવા કેમ્પો બાળકોને શ્ર્વાસ લેવા દેતા નથી. એકમાંથી છૂટીને બીજામાં….ત્રીજા….ચોથામાં સતત દોડધામને પધ્ધતિ વગરનું ટ્રેનિંગ આયોજન બાળકોને ઘણીવાર ટ્રેસમાં મૂકી દે છે. વેકેશન આદીકાળથી મોજ કરવા જ પડે છે પણ અત્યારનાં વેકેશન બાળકોને બોજ બનવા લાગે છે. બાળકે પણ ઘણા સપનાઓ જોયા હોય છે, પણ ના આપણે તો આપણી ઇચ્છાઓ તેના ઉપર થોભીને પરાણે મોકલી દઇએ છીએ. ખરેખર તો બાળકને દોડવા દેવું જોઇએ પણ અત્યારે તો વાલીઓ તેના ખભા ઉપર બેસીને તેને રાતોરાત બધુ શિખડાવી દેવા માટે દિવસ-રાત દોડધામ કરતાં જોવા મળે છે.
કોઇપણ બાળક આખુ વર્ષ ભણ-ભણ કરે છે, છતાં 100માંથી 100 ગુણ નથી આવતાં તો વેકેશનનાં 10-15 દિવસમાં સમર ટ્રેનીંગ કેમ્પમાં જઇને શું શીખી લેવાનો છે તે પ્રશ્ર્ન દરેક વાલીએ વિચારવો જોઇએ. એકપણ સમર ટ્રેનીંગ મફ્ત નથી ચલાવતા, ધંધાદારી રીતે ચલાવાતા આવા કેમ્પોની ફિ રૂા.500 થી 5000 જેટલી જોવા મળે છે. બીજી એક વસ્તું કે આવી કેમ્પોમાં નિષ્ણાંતોનો તો અભાવ જ જોવા મળે છે. અત્યારે તો શાળાઓ પણ સંખ્યા અને શાળા આકર્ષણ માટે આવા કેમ્પો યોજી રહી છે. વેકેશન એટલે નવરાશની પળો જેમાં કંઇક નવું શીખવાનો સમય છે, તેથી સંતાનોને રસ પડે તેમા કે જ્ઞાન સાથે ગમ્મત કે જોયફૂલ લર્નીંગ જેવા જ્ઞાનવર્ધક કેમ્પોમાં મોકલવા જોઇએ.
સતત સ્કૂલ અને ટ્યુશનથી થાકેલો બાળક થોડો સમય શાંતિથી જીવે એજ એના ભલા માટે હોય છે પણ આજના મા-બાપો દેખા-દેખીમાં બાળકોનો આનંદ છીનવી લે છે. તોફાન અને ધીંગામસ્તી કરતાં કરતાં બાળકો તેની જેવડા બીજા બાળકો પાસેથી ઘણું શીખી જતા હોય છે. ઘણા મા-બાપો પણ ‘તુ-તો નિશાળે જ સારો’ તેમ કહીને પણ બાળકને કંઇકને કંઇક શીખવા મોકલી દે છે. છેલ્લા દશકાથી વેકેશન પડે એટલે આવા સમર ટ્રેનીંગ કેમ્પનો રાફડો ફાટી નીકળે છે. આવા કેમ્પોમાં ટ્રેકિંગ, નૃત્ય, ચિત્ર, સંગીત, હેન્ડ રાઇટીંગ, કુકિંગ, પર્સનાલીટી ડેવલપમેન્ટ, ક્રિએટીવ આર્ટ, વેસ્ટમાંથી બેસ્ટની સાથે કરાટેથી ક્રિકેટ સુધીના કેમ્પો બિલાડીની ટોપની જેમ ઉગી નીકળે છે. કોઇ વાલી તજજ્ઞોને પણ જાણતા હોતા નથી.
અમુક વાલીઓનું વેકેશનમાં બાળક પર દબાણ વધી જાય છે અને તું આમ કર તેમ કર સાથે પરાણે વાંચવા કે ઇત્તર પ્રવૃત્તિમાં નામ નોંધાવીને આખો દિવસ વ્યસ્ત રાખીને તેનું વેકેશન બોજારૂપ બનાવી દે છે. આવા સમર કેમ્પનો સમય બે થી પાંચ કલાકનો હોય છે, કેમ્પની સમય, કોર્ષ મુજબ ફિ પણ અલગ-અલગ લેવાતી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આવા કેમ્પો એક ધીકતો ધંધો બની ગયો છે. ચાલુ દિવસો કરતાં પણ વેકેશનમાં બાળકનું ટાઇમ ટેબલ ‘ટાઇટ’ જોવા મળે છે, જે ખરેખર ન હોવું જોઇએ. ખરેખર તો બાળકના વાલીઓએ બાળકને પૂછવું જોઇએ કે તારે શું કરવું છે પણ આજે આપણે બાળકને સાંભળતા જ નથી, બાળક તો ઘણુ કહેવા માંગે છે.
પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન એ શ્રેષ્ઠ રીતે શીખવાની સીસ્ટમ છે, પણ આજે શાળા પણ પુસ્તકિયા જ્ઞાન આપવા સિવાય આ બાબતે ક્યારેય વિચારતા નથી કે કશુ કરાવતા નથી જે એક નગ્ન સત્ય છે. કુદરતના ખોળે બાળક જો ફરવા જાય તો પણ ઘણી બધી વાત શીખે છે. પ્રેમ-હૂંફ અને લાગણી જેવી વાત બાળકને આવા નવરાશ સમયે આપી એ તો તેનો સંર્વાગી વિકાસ પણ થતો હોય છે.
આનંદમય શિક્ષણ કે ટ્રેનીંગ જ બાળકોને નિપુણ બનાવી શકે
વેકેશન વર્ષોથી પડે છે, અને પડતું જ રહેવાનું છે પણ અત્યારના વેકેશનને પહેલાના વેકેશનમાં જમીન-આસમાનનો ફેર જોવા મળે છે. અગાઉ વેકેશનમાં ટેન્સન વગર ધીંગામસ્તીને તોફાન કરતાં ઘણું નવું શીખતા જે આજે સતત સવારથી સાંજ દોડધામ બાદ પણ બાળકો શીખી શકતા નથી. એક વાત નક્કી છે કે આનંદમય શિક્ષણ કે ટ્રેનીંગ જ બાળકોને નિપુણતા અપાવે છે સાથે તેના સંર્વાગી વિકાસ કરે છે. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે, પણ આપણે તેને ક્યારેય સાંભળતા જ નથી.
કંઇક નવું શીખવાનો સમય એટલે વેકેશન હોય છે, બાળક-બાળક સાથે બેસીને પ્રવૃત્તિ કરે તો તેનામાં લીડરશીપ, એકાગ્રતા, સમજદારી, ચિવટ જેવા ઘણા ગુણો વિકસે છે. ખરેખર તો બાળકોમાં જીવન કૌશલ્યોનો વિકાસ આ વેકેશન દરમ્યાન કરવો જરૂરી છે. પ્રવૃત્તિ કરતાં-કરતાં બાળક શીખતો જાયને સમજતો જાય એ વાત સાથે બાળ મનોવિજ્ઞાન પણ સંમત છે. આજે શાળા-શિક્ષકો કે મા-બાપો એ બાલ મનોવિજ્ઞાનની સમજ કેળવવી જ પડશે.
બાલભવન આખુ વર્ષ બાળ પ્રવૃત્તિ કરે છે
આપણાં દેશમાં બાળકોના સંર્વાગી વિકાસ માટે 72 બાલભવન કેન્દ્રો ચાલે છે. જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી અને રાજકોટમાં કાર્યરત છે. રાજકોટ બાલ ભવન માત્ર 50 રૂપિયામાં આખો મહિનો ટ્રેનીંગ વર્ગો વેકેશનમાં ચલાવે છે. વરસની 100થી પ્રવૃત્તિ સાથે રાષ્ટ્રીય કક્ષાના બાલશ્રી એવોર્ડ માટે પણ નામ મોકલીને એવોર્ડ જીત્યા છે. દરરોજ સાંજે 5 થી 9 ઇન્ડોર-આઉટડોર ગેઇમ્સ સાથે હેન્ડીક્રાફ્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, ઓરેગામી, કાગળમાંથી રમકડાં, લાયબ્રેરી સાયન્સ, સંગીતમાં ગાયન-વાદન, હારમોનિયમ, તબલા જેવી વિવિધ કલાની તાલિમ આપે છે. એક વાત સૌથી મારી એ છે કે આ સંસ્થાની સ્પર્ધામાં દરેક બાળકોને ઇનામ અપાય છે.