થોડા દિવસોમાં તાપમાનનો પારો ઉંચો તો ચઢશે પણ સાથોસાથ છુટાછવાયા ઝાપટાનો દોર પણ ચાલુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન
સૌરાષ્ટ્રમાં જાણે ચોમાસુ હોય તેવો માહોલ : નખત્રાણામાં પોણા ત્રણ ઇંચ, મેંદરડા- ધારી-ઉપલેટા-કાલાવડ-જામનગર-માળિયામાં અઢી ઇંચ, કેશોદ-ધોરાજી-જૂનાગઢ-પડધરીમાં એક ઇંચ વરસાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 57 તાલુકાઓમાં વરસાદી વાતાવરણ રહ્યું
ઉનાળો જાણે બગડ્યો હોય તેમ વૈશાખમાં તાપને બદલે ટાઢક મળી રહી છે. સૌરાષ્ટ્રમાં જાણે ચોમાસુ ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ હવામાન વિભાગે અનુમાન જાહેર કર્યું છે કે થોડા દિવસોમાં તાપમાનનો પારો ઉંચો તો ચઢશે પણ સાથોસાથ છુટાછવાયા ઝાપટાનો દોર પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
ભારતમાં છેલ્લા 5 વર્ષમાં આ વખતે ઉનાળામાં સૌથી ઠંડા દિવસોનું અનુભૂતિ થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે ભર ઉનાળે પણ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ વર્ષે એપ્રિલ અને મેની અસામાન્ય હવામાન પેટર્ન અલગ રહી છે. એપ્રિલની પેટર્ન મે મહિનામાં પણ ચાલુ રહે તેવું લાગે છે, મહિનાના પ્રથમ થોડા દિવસોમાં બિનમોસમી ઠંડીનું પુનરાવર્તન જોવા મળે છે.
ગુરુવારે, દિલ્હી, ગુડગાંવ, ફરીદાબાદ અને નોઈડા સહિતના ઉત્તર ભારતના ભાગોમાં વધુ પડતા ભેજ સાથે રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાને કારણે ધુમ્મસની ચાદર જોવા મળી હતી.
ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, “વેસ્ટર્ન ડિસ્ટબન્સ, ચક્રવાત પરિભ્રમણ અને પવનની વિરામ સહિતની બહુવિધ હવામાન પ્રણાલીઓ આ ઉનાળામાં વરસાદની પ્રવૃત્તિ અને વાવાઝોડા સાથે દેશના ઘણા ભાગોને એક સાથે અસર કરી રહી છે.” જો કે, તેમણે ઉમેર્યું હતું કે થોડા દિવસો પછી દિવસના તાપમાનમાં વધારો થવાની ધારણા છે, જોકે 6-7 મેના રોજ ઉત્તરપશ્ચિમ ભારતના મેદાનો પર વરસાદનો નવો સ્પેલ શરૂ થવાની સંભાવના છે.
બીજી તરફ સૌરાષ્ટ્રની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાકમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. નખત્રાણામાં પોણા ત્રણ ઇંચ, મેંદરડા- ધારી -ઉપલેટા – કાલાવડ – જામનગર – માળિયામાં અઢી ઇંચ, કેશોદ-ધોરાજી-જૂનાગઢ-પડધરીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે તાલાલા, બાબરા, વંથલી, ભાણવડ, ભેસાણ, માંગરોળ, લોધિકા, મહુવા, ગઢડા, લાઠી, લાલપુર, રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જામ્યું હતું. રાજ્યના કુલ 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.