સામાન્ય રીતે આપણે ફળોના સેવનને ગંભીરતાથી લેતાં નથી. ગરમીમાં ફળો ખાવાથી સૂર્ય તાપથી થતી હાનિમાંથી બચી જવાય છે. તથા જટિલ રોગોમાંથી રાહત મળે છે. કેટલાક જટિલ રોગો એવા છે જેમાં ઉનાળામાં શરીરમાંથી પાણી અને પોષક તત્ત્વો ઘટી જતાં મુશ્કેલી વધે છે. તે જ પ્રમાણે ફળ દ્વારા જ ગરમીમાં જોવા મળતી સામાન્ય બીમારીઓમાંથી પણ રાહત મળે છે.
કેળા અને અનાનસ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ બન્નેમાં વિટામીન ઈ હોય છે. જેથી ડાયેરિયા થતા નથી. ફળમાંથી રસ કાઢતાં વિટામીનની માત્રા ઓછી થઈ જાય છે. એટલે હંમેશા આખા ફળ જ ખાવા જોઈએ. વળી ફળ ખાવાથી તેમાં રહેલા ફાઈબર પણ શરીરને મળે છે.
આમ તો બધી જ ઋતુમાં ફળાહાર કરવો જોઈએ પણ ગરમીની ઋતુમાં આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઉનાળામાં પરસેવો થવાથી શરીરમાંથી લવણ, સોડિયમ તથા પોટેશિયમની માત્ર ઓછી થઈ જાય છે. ફળો દ્વારા આ કમી પૂરી કરી શકાય છે. ફળમાં સાઈટોકેમિકલ્સ પણ હોય છે. જે ગરમીની અસરને ઓછી કરે છે. ઘણા લોકો ગરમીમાં વૈકલ્પિક વિટામીન લે છે. પરંતુ કોઈ દવા ફળનો વિકલ્પ ન બની શકે. ફળોમાં રહેલા વિટામીન, સોડિયમ, પોટેશિયમ અને લવણ શરીરને જરૃરી પોષણ પૂરું પાડે છે અને પાણીની કમી દૂર કરે છે.
ગરમીમાં ઘણા લોકો ઠંડા પીણાં પીવાનો આગ્રહ રાખે છે, પરંતુ ઠંડા પીણાંથી માત્ર શરીરમાં પાણીની કમી દૂર થાય છે. પરસેવા સાથે નીકળી જનારા જરૃરી તત્ત્વોની ઉણપ ઠંડા પીણાં દ્વારા પૂરી થતી નથી. કેરી, પપૈયા અને સંતરા જેવા પીળા રંગના ફળમાં એન્ટિ- ઓકસીડન્ટ અને બીટા કેરેટીન હોય છે જે શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારે છે. ગરમીમાં બાળકો જલ્દી માંદા પડે છે એટલે તેમને પીળા રંગના મોસમી ફળો આપવા જરૃરી છે.