સુરેન્દ્રનગર પંથકની ત્રણ સ્વેતસમૃધ્ધી કપાસ, દુધ નમકમાં આ વર્ષ કપાસની ખેતી શુકનવતી સાબીત થશે
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચોમાસુ સીઝનમાં મુખ્ય પાક તરીકે કપાસનું મોટાપાયે વાવેતર કરે છે. ત્યારે આ વર્ષે કપાસના ભાવ સારા એવા મળતા અન્ય વાવેતર કરતા ખેડૂતો પણ કપાસ તરફ વળ્યા છે. ગત વર્ષ 2021માં અત્યાર સુધીમાં 6140 હેકટરમાં કપાસનું વાવેતર થયુ હતુ. તેની સામે આ વર્ષે 3 ગણુ એટલે કે, 18,825 હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યુ છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસના આગોતરા વાવેતરનો જુગાર તો ખેલ્યો છે. અને હવે ખેડૂતો વરસાદની મીટા માંડીને બેઠા છે.
સુરેન્દ્રનગર જિલ્લો 3 સફેદ વસ્તુઓ માટે વિશ્વભરમાં જાણીતો છે. ઝાલાવાડ કપાસ, દુધ અને મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે. ઝાલાવાડના ખેડૂતો કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો કપાસ છોડીને અગાઉ અન્ય વાવેતર તરફ વળતા હતા. ત્યારે ચાલુ વર્ષે કપાસના ભાવ સારા એવા ખેડૂતોને મળ્યા છે. ચાલુ વર્ષે કપાસનો ભાવ રૂપિયા 2000થી વધી ગયો હતો. અગાઉના સમયમાં જયારે 900-1000 આસપાસ કપાસનો પ્રતિમણ ભાવ રહેતો હતો ત્યારે આ વર્ષે કપાસના સારા એવા દામ મળતા ફરી ખેડૂતો કપાસના વાવેતર તરફ વળ્યા છે.
વર્ષ 2021ના ચોમાસુ વાવેતરની વાત કરીએ તો જુન માસની શરૂઆતમાં એટલે કે, વરસાદ આવ્યા પહેલા જ જિલ્લાના ખેડૂતોએ 6140 હેકટર જમીનમાં કપાસનું આગોતરૂ વાવેતર કરી દીધુ હતુ. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં આ વાવેતર 3 ગણુ થઈ ગયુ છે. અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોએ 18,825 હેકટર જમીનમાં કપાસનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે. કપાસના ચાલુ વર્ષે સારા ભાવ મળતા અને સારા વરસાદના એંધાણને લીધે ખેડૂતોએ કપાસનું આગોતરૂ બમ્પર વાવેતર કર્યુ છે.
જિલ્લામાં થયેલ કપાસના આગોતરા વાવેતર પર નજર કરીએ તો સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં 12 હજાર હેકટર જેટલુ થઈ ગયુ છે. ત્યારે ખેડૂતો સારા વરસાદની આશ રાખીને બેઠા છે.
વરસાદ ખેંચાય તો સીંચાઈ માટે પાણીની જરૂર
ખેડૂત રાજુભાઈ કરપડાએ જણાવ્યુ કે, સારા વરસાદની આશાએ ખેડૂતોએ હાલ કપાસનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ઉનાળુ પાક માટે સીંચાઈ માટે પાણી આપવાની સરકારે ના પાડી દીધા બાદ હજુ ચોમાસામાં પણ સીંચાઈ માટે કેનાલોમાં પાણી વહેડાવવામાં આવ્યુ નથી. ત્યારે જો આ વર્ષે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને સીંચાઈના પાણીની તાતી જરૂરીયાત ઉભી થાય તેમ છે. અને સરકારે આ બાબતે વિચારીને કેનાલમાં સીંચાઈ માટે પાણી છોડવુ જોઈએ.
ગત ચોમાસામાં અનીયમીત વરસાદથી ખેડૂતોનો કપાસનો પાક ફેઈલ થયો હતો