કાદવમાં રહેવા છતાં કમળને કાદવ ન લાગે તેમ પોલીસ તંત્રમાં રહી નિષ્કલંક રહેલા સુખદેવસિંહ ઝાલાએ દેહદાનનો કર્યો સંકલ્પ
પોરબંદર, ખંભાળીયા સ્મગલર અને જસદણ પંથકના માથાભારેને કાયદાનું ભાન કરાવનાર એસીપી તરીકે નિવૃત થઇ ગાયત્રી ઉપાસક બની પોતાના વતન ઝમરમાં મોટી સંખ્યામાં વૃક્ષો વાવ્યા
કર્તવ્યનિષ્ટ સુખદેવસિંહ ઝાલાના નિવૃત થવાના અંતિમ દિવસે પ્રમોશન આપ્યા બાદ સરકાર દ્વારા વધુ બે વર્ષ સુધી એકટેશન આપ્યું’તું
રાજા પરિક્ષિતે સુખદેવજી મહારાજના મુખે ભાગવત કથા સાંભળી પૂણ્યનું ભાથુ બાંધી મોક્ષ મેળવ્યો તેમ પોલીસ ડીપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર નિવૃત એસીબી સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ જાહેર કરી પોતાની સારી લોક ચાહનામાં વધુ એક છોગુ ઉમેર્યુ છે. નિવૃત થયા બાદ છેલ્લા દસેક વર્ષથી વેદ માતા ગાયત્રજીની ઉપાસના અને તેમના વતન ઝમર ખાતે લાખોની સંખ્યામાં વૃક્ષનો ઉછેર કરવાની લોક ઉપયોગી પ્રવૃતિ પોતાનો જીવન મંત્ર બનાવ્યો છે.
ગુનેગારોમાં કડક અધિકારીની છાપ ધરાવતા સુખદેવસિંહ ઝાલાની નિવૃતીના અંતિમ દિવસે એસીપી તરીકે બઢતી મળી હતી અને સરકાર દ્વારા તેમના કામની કદર કરી બે વર્ષ સુધી એકટેશન આપવામાં આવ્યું છે. તેઓએ પી.એસ.આઇ. તરીકે કારર્કિદીની શઆત કર્યા બાદ પોરબંદર, ખંભાળીયા અને જસદણ પંથકમાં પ્રસંશનીય ફરજ બજાવી હતી. કાદવમાં ખીલતા કમળને કયારેય કાદવ ન લાગે તેમ સુખદેવસિંહ ઝાલા પોલીસ ડીપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હોવાતી તેઓએ સારી એવી લોકચાહના મેળવી હતી.
જામ ખંભાળીયા અને પોરબંદર વિસ્તાર તે સમયે દાણચોરી માટે કુખ્યાત બન્યો હતો પરંતુ સુખદેવસિંહ ઝાલા પોરબંદર અને ખંભાળીયામાં પોસ્ટીંગ થયાનું જાહેર થતાની સાથે જ દાણચોરી સાથે સંકળાયેલા માથાભારે શખ્સો ગામ છોડી દેતા અને તેનો બેનંબરનો ધંધો સંકેલી લેતા હતા.
સલાયા ખાતે એક પોલીસ અધિકારી સ્ટાફના ત્રણ જવાન સાથે હથિયાર અંગે દરોડો પાડવા ગયા ત્યારે તે પોલીસ અધિકારીને ત્રણ પોલીસ કર્મચારીની હાજરીમાં માથાભારે શખ્સે લાફો મારી દીધો હતો ત્યાર બાદ બીજા દિવસે સુખદેવસિંહ ઝાલા સલાયા ગયા હતા અને પોલીસ અધિકારી પર હુમલો કરનાર ૧૫ શખ્સો સામેથી હાજર થવા ફરમાન કરી લાલ આંખ કરી ત્યા તો ગણતરીની મિનિટોમાં તમામ શખ્સો હાજર થઇ ગયા હતા. ત્યાર બાદ સુખદેવસિંહ ઝાલાએ ત્યાં પોતાની લાકડીથી ગોળ કુંડાળું કરી જેઓની પાસે ગેર કાયદે હથિયાર હોય તેઓ સામેથી જમા કરી દેવાનો અનુરોધ કરતાની સાથે ઘાતક હથિયારનો ઢગલો થઇ ગયો હતો.
સુખદેવસિંહ ઝાલાએ આ રીતે જ પોરબંદર અને જસદણમાં કડક અધિકારી સાથે કામ કર્યુ હતું. પોરબંદરમાં ચાલતી ગેંગ વોરના સુત્રધાર અને ખંભાળીયા પંથકના માથાભારે શખ્સ સાથેની ઝપાઝપીમાં બંને શખ્સોને ઠાર કરાયા હતા. જસદણ પંથકના રાજકીય આગેવાનોની શેહ શરમમાં આવ્યા વિના મોટી સંખ્યામાં હથિયાર પકડી કરેલી કામગીરીની સરકાર દ્વારા કદર કરવામાં આવી હતી. તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદી સુખદેવસિંહ ઝાલાની ટેકનિકલ કારણોસર અટકેલી ફરજ દરમિયાન હકની રકમનો ઓન ધ સ્પોટ નિવેડો લાવ્યા હતા અને નિવૃતીના અંતિમ દિવસે ડીવાય.એસ.પી. તરીકે પ્રમોશન મળતા તેઓની વધુ બે વર્ષ સુધી સેવા આપવા એકટેશન આપ્યું હતું.
નિવૃત થયા બાદ સુખદેવસિંહ ઝાલા હરિદ્વાર ખાતે શાંતિ કુંજ ખાતે વેદ માતા ગાયત્રીની ઉપાશના કરી હતી અને તેમના ગુદેવના આદેશ અનુસાર તેમના વતન લખતર ખાતેના ઝમર ખાતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અને ઉછેર કર્યો છે. સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોપી દેતો દેહદાનો સંકલ્પ જાહેર કર્યો છે. જામનગરની બેડમિન્ટન સોસાયટીમાં પ્રતાપ પેલેસની બાજુમાં ‘સજલ શ્રધ્ધા’માં રહેતા નિવૃત એસીપી સુખદેવસિંહ હનુભા ઝાલા (ઉ.વ.૬૯)ને કરેલા સંકલ્પ પત્રમાં જણાવ્યું છે કે, તેમના મૃત્યુ બાદ પરિવારે રોક કકડ કરવાની નથી, ખરખરો કરવાનો નથી, કોઇ પણ સ્થળે બેસણું રાખવાનું નથી, કોઇએ શોક રાખવાનો નથી, મુંડન, શુધ્ધીકરણ, બારમું, સરાવવાની વિધી, પોતપહેરાવવાની વિધી, સેજ ભરવી, દોહિતર, મુંડન ઢાકવાનો રિવાજ, ગોયણી કરવી, ચોરાસી, વરસી, શ્રાધ્ધમાં ભેળવવાની, અસ્થી વિસર્જન જેવી વિધી ન કરવી સંકલ્પ કરી આંખ, હહૃય અને કીડની યોગ્ય હોય તો તે ડોનેટ કરવા જણાવ્યું છે.