31મી મે સુધી રાજ્યભરમાં અભિયાન ચલાવાશે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જમીનના તળ સાજા કરવા અને જળાશયો, તળાવ, ચેક ડેમમાં જળ સંગ્રહ શક્તિ વધારવા માટે રાજ્ય વ્યાપી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના સારા પરિણામો પ્રાપ્ત થયા છે. સતત પાંચ વર્ષ સુધી સફળતાપૂર્વક આ અભિયાન હાથ ધરાયા બાદ આવતીકાલથી ફરી એકવાર આ અભિયાનનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત મંત્રી મંડળના અલગ-અલગ વિભાગના મંત્રીઓ અલગ-અલગ જિલ્લાઓમાંથી આ અભિયાનનો આરંભ કરાવશે.
આવતીકાલથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો આરંભ થશે. જે 31મી મે સુધી ચાલશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં આ અભિયાન શરૂ કરાયુ હતું. ત્યારે મે મહિનામાં અભિયાન શરૂ થતું હતું. દરમિયાન ભૂપેન્દ્રભાઇ પટેલે જળ સંચયના કામો વધુમાં વધુ કરી શકાય તે માટે ફેબ્રુઆરીથી આ અભિયાન શરૂ કરાવ્યું હતું.
આવતીકાલથી શરૂ થતા આ અભિયાન અંતર્ગત તળાવ, ચેકડેમો, ઉંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી, સમ્પ, પાણી અને ગટરની લાઇન સાફ કરવાની સહિતની કામગીરી હાથ ધરાશે.