મુખ્યમંત્રીનાં નેતૃત્વમાં જળસંગ્રહના સ્ત્રોત વધારવા માટે તેમજ પાણીનાં સ્તર ઉંચા લાવવા યોજાયેલા રાજ્યવ્યાપી જળ અભિયાનને અપ્રતિમ સફળતા મળી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વરસાદનાં પાણીને પરમેશ્વરની પ્રસાદી માનીને જળ સંગ્રહ અને જળ સંચય માટે શરૂ કરવામાં આવેલા સુજલામ સુફલામ જળ અભિયાનને અપ્રિતમ સફળતા મળી આ અભિયાન શરૂ કરાયાના માત્ર બે વર્ષમાં જ ૩૦૦૦૦ જેટલા જળસંચયના કામો પૂર્ણ થયા છે તેમજ આ અભિયાન વડે લુપ્ત થયેલ નદીઓ પુન:જીવિત બની છે. ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ પૂર્વે રાજ્યમાં નાના-મોટા તળાવ, ડેમ, ચેકડેમ, નદીઓ વગેરે ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ દાખેવલી પાણી પહેલા પાળ બાંધી લેવાની દીર્ઘદૃષ્ટિનું પરિણામ એ આવ્યું છે કે, હાલ રાજ્યનાં અંદાજીત ૧૦૦૦૦ જેટલા નાના-મોટા જળ સંગ્રહ સ્થાનો વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે ઉપરાંત નર્મદા ડેમ સહિત રાજ્યનાં ૯૦ ટકા જેટલા જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. સુજલામ સુફલામ અભિયાન હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં ૧૨૨૭૯ તળાવો ઊંડા કરાયા હતા તે પૈકી ૯૭૦૦ તળાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે. એ જ રીતે ૫૭૭૫ ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તે પૈકી ૪૬૦૦ ચેકડેમોમાં નવો જળસંગ્રહ થઈ સંપૂર્ણ ભરાઈ ગયા છે. સાથોસાથ ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે.
ગુજરાતમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીનું જળસંચય થઈ તેનો લાભ કરોડો લોકો અને લાખો ખેડૂતોને મળે એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કરાયું હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. જેના લીધે ૫થી ૭ ફૂટ જેટલા ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. આ જળસંગ્રહે ખેડૂતોને સિંચાઈ માટે તથા પ્રજાને પીવાના પાણી, ઘરવપરાશ પાણી તથા પશુઓ માટે પાણીની સમસ્યાઓ દૂર કરી દીધી છે. સુજલામ સુફલામ જળ અભિયાન જળક્રાંતિના બે વર્ષ – ગુજરાતનાં ઈતિહાસમાં જળ અભિયાન તથા જનઆંદોલનનું શ્રેષ્ઠ-સફળ પ્રકરણ છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો હતો જેમાં સરકાર અને સમાજની સક્રિયતા તથા સહિયારા સહયોગનાં પરિણામેસ્વરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આરંભાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનની નોંધ દેશભરમાં લેવાઈ રહી છે.
ગુજરાતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સૌનાં સર્વાંગી વિકાસ માટે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું ઐતિહાસિક જનઆંદોલન સુજલામ સુફલામ અભિયાન સફળ અને પ્રસંશનીય બન્યુ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં જનભાગીદારી પ્રેરિત રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે જળસ્તર ઊંચા આવ્યા છે અને પાણીનું પાણીદાર વ્યવસ્થાપન શક્ય બન્યું છે. આ અભિયાન અંતર્ગત આવનારા એક વર્ષ સુધી સ્થાનિક કક્ષાએ નાગરિકોને ઘરગથ્થુ પાણી વપરાશનો તથા ઢોર-ઢાંખર માટે પીવાના પાણીની સમસ્યાઓનો નિકાલ થઈ ગયો છે. નાગરિકો-ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારે સુજલામ-સુફલામ અભિયાન માનવીય સંવેદનાથી હાથ ધર્યુ હતું.
સૌ લોકોએ આ અભિયાનને ઉન્માદપૂર્વક વધાવી લીધુ છે, જેના લીધે આ અભિયાનને એવી અપ્રતિમ સફળતા મળી છે કે ગુજરાતને પાણીની સમસ્યામાંથી સંપૂર્ણ છૂટકારો મળ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં સફળ બનેલું સુજલામ સુફલામ જળ અભિયાન દેશમાં જળક્રાંતિનું રાહબર બનશે અને હર ખેત કો પાનીનો મંત્ર સાકાર કરી જળક્રાંતિ સાથે હરિતક્રાંતિની આગેવાની લેશે એવું દ્રઢતાપૂર્વક જણાઈ રહ્યું છે.