૧૦૦૦ ટ્રેકટરથી વધુ કાંપ પથરાતા ભૂપેન્દ્રભાઇના ખેતરમાં હવે સોનુ પાકશે
ભૂપેન્દ્રભાઇએ પોતાની જમીનને સાવ ઓછા ખર્ચે નવસાધ્ય કરી
રાજ્ય સરકારે પાણીદાર ગુજરાતના નિર્માણ અને ભાવિપેઢીને સમૃધ્ધ જળ વૈભવ વારસો આપવા જનશક્તિના સહયોગથી જળશક્તિ માટે રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો મહાયજ્ઞ ઉપાડ્યો છે. વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. જિલ્લામાં તળાવો ઉંડા થતા જનસંગ્રહ ક્ષમતા તો વધશે જ પરંતુ તળાવોમાંથી ખોદકામ દરમિયાન નીકળતી ફળદ્રુપ માટી કાંપ ખેડૂતો પોતાની જમીનમાં પાથરી જમીનને નવસાધ્ય કરી રહ્યા છે.
રાજ્ય સરકારનું સુજલામ સુફલામ જળ અભિયાન શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામના ખેડૂતશ્રી ભૂપેન્દ્રભાઇ વણકર માટે આર્શીવાદરૂપ બન્યુ છે.
વાત એમ છે કે ભૂપેન્દ્રભાઇ વણકરની જમીન બિલકુલ બિનફળદ્રુપ બની ગઇ હતી. તેમણે છેલ્લા પાંચ વર્ષથી પોતાની જમીનમાં માટી પુરાણની ઇચ્છા હતી પરંતુ પરિપૂર્ણ થતી નહોતી. ભૂપેન્દ્રભાઇ વણકર માટે રાજ્ય સરકારનું જળ અભિયાન ખરેખર ઉપકારક બન્યુ છે.
એક મુલાકાતમાં ભૂપેન્દ્રભાઇ વણકરે જણાવ્યુ કે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ મોટા ફોફળિયા ગામનું તળાવ લોકભાગીદારીથી શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉડુ કરવામાં આવી રહ્યુ છે. સુજલામ સુફલામ જળ અભિયાનના પ્રતાપે પોતાની બિન ફળદ્રુપ જમીનમાં ૧૦૦૦ ટ્રેકટર તથા ડમ્પરથી ખેતરમાં ફળદ્રુપ કાંપ પાથરતાં ખેતર સુજલામ બનવાની આશા જાગી છે. છેલ્લા ઘણા વર્ષોથી પાતળી થઇ ગયેલ જમીનમાં ભૂપેન્દ્રભાઇના ખેતરમાં કશુ પાકતુ ન હતુ અને ધાન્યના કોઠાર લગભગ ખાલી રહેતા હતા. વધુમાં પોતાની જમીન નવસાધ્ય કરવા માટે જરૂરી નાણાં પણ તેમની પાસે ન હતા.
સુજલામ સુફલામ જળ અભિયાન ભૂપેન્દ્રભાઇ વણકર માટે એવુ વરદાન થઇને આવી કે તેમની જમીનને માટી અને કાંપ પથરાતા નવી તંદુરસ્તી મળી છે અને તેમના મનહૃદયમાં ધનધાન્યના ભંડારો ભરાવવાની ગુલાબી આશા જાગી છે.
ભૂપેન્દ્રભાઇ જણાવે છે કે જળ અભિયાન હેઠળ માટી બિલકુલ મફત મળી છે. આ માટી મને વિનામૂલ્યે ન મળી હોત તો અંદાજે રૂ. દસ લાખથી વધુ ખર્ચ કરવો પડત.
સુજલામ સુફલામ જળ અભિયાનને પરિણામે મારી જમીન નવસાધ્ય કરવાનો જે અવસર મળ્યો તેના માટે ભૂપેન્દ્રભાઇ વણકરે રાજ્ય સરકાર અને જળ અભિયાનના પ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો હૃદયથી ધન્યવાદ આપ્યા છે.