મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના અને સુજલામ સુફલામ જળ અભિયાન વડે પ્રજા-પશુ પ્રાણીની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો છે. વરસાદી પાણીનાં જળ સંગ્રહ અને જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાનની એક ઐતિહાસિક-અભૂતપૂર્વ ભેટ ગુજરાતને મુખ્યમંત્રીએ આપી છે. સાથોસાથ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી સૌની યોજના મારફતે ઠેરઠેર નર્મદાનું પાણી પહોચાડવામાં આવેલ છે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પાણીની ખેંચ સર્જાવાની કોઈ સ્થિતિ નથી. સૌની યોજના દ્વારા નર્મદા નીરથી મોટાભાગના ડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે તળાવો/ચેકડેમો આગામી જુન-જુલાઇ માસમાં સૌની યોજના દ્વારા પાણી ઠાલવવાનું આયોજન પણ છે. તેમ રાજુભાઇ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ઉનાળે પાણીની તંગી સર્જાવવાની કોઈ ભીતિ નથી. રાજકોટની જીવાદોરી એવા આજી-૧ ડેમ બાદ ન્યારી-૧માં પણ સૌની યોજના દ્વારા આગામી ચોમાસા સુધીનો પાણીનો જથ્થો ઠલવાઈ ગયો છે આજની તારીખે આજી-૧ ડેમ ૭૧% તથા ન્યારી-૧ ડેમ ૪૪% ભરાયેલ છે અને એ સાથે જ હાલની સ્થિતિએ ચોમાસા સુધી જળ સંકટ જણાતું નથી. રાજકોટની જનતાને ચોમાસા સુધી રાબેતા મુજબ દરરોજ ૨૦ મિનિટ પાણી મળતુ રહેશે. કોરોનાનાં સંકટ વચ્ચે પાણીની સમસ્યા સર્જાય એ પહેલા નર્મદા મૈયા રાજકોટવાસીઓની ચિંતા તાણી લેવા માટે આવી પહોંચ્યા છે.
અલબત્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ રાજ્ય સરકાર નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી જળસંચયની નક્કર વિચારધારાને વધુ મજબુત બનાવીને આગળ ધપાવી રહી છે.
કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વિકટ પરિસ્થિતિમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે જળસ્ત્રોતો ખાલી હતા તેમા સમયસર સુજલામ-સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે, જે ગુજરાતના કરોડો ખેડૂતોના વિકાસ માટે અને હજારો લોકોનાં રોજગાર માટે લાભકારક બની રહેશે.