5 શખ્સો પાસેથી રૂ.1.44 લાખ લીધાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
અબતક, રાજકોટ
કેશોદમાં રહેતા અને તાલુકા પંચાયતના કર્મચારીએ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું આજરોજ મોત નીપજ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાનું મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાંથી જાણવા મળ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ વધુ કાર્યવાહી હાથધરી છે.
બનાવ અંગેની મળતી માહિતી મુજબ કેશોદમાં રહેતા ભરતભાઇ હીરાભાઇ પરમાર (ઉ.વ.49)એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાના ઘરે ગઇકાલે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવારમાં આજરોજ મોત નીપજ્યું છે. બનાવની જાણ કેશોદ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં મૃતક ભરતભાઇ પરમાર પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં ભરત વ્યામન સુખભાઇ પાસેથી 25 હજાર, જગાભાઇ દરજી પાસેથી 55 હજાર, દેવાભાઇ રબારી પાસેથી 44 હજાર, હુશેન ભસામણ પાસેથી 15 હજાર અને નારણભાઇ રબારી પાસેથી 5 હજાર રૂપિયા વ્યાજે લીધા હોવાનું જાણવા મળ્યું હતું. વ્યાજખોરો પૈસાની ઉઘરાણી માટે ફોન કરી ત્રાસ આપતા હોવાથી ભરતભાઇએ આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ પોલીસ મૃતકના પુત્રનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.